ભાવનગર-ઘોઘાની વચ્ચે ગ્રીનફિલ્ડ પોર્ટ બનાવવા પણ રસ દાખવ્યો
ગુજરાતના બંદરો પર કોલસાની આયાત અને તેનું અંતિમ સ્થળ સુધીનું પરિવહન એકદમ સરળ હોવાથી દેશના દિગ્ગજ કોર્પોરેટ ગૃહો નવલખી પોર્ટ ઉપરાંત ભાવનગર પોર્ટ પર પસંદગી ઉતારી રહ્યા છે. અદાણી જૂથ દ્વારા ભાવનગર બંદરે તાજેતરમાં ૫૫૦૦૦ ટન કોલસાની આયાત કરી અને ભાવનગર બંદર પર પગપેસારો શરૂ કરી દીધો છે. જીએમબીના ગાંધીનગરના સૂત્રોના જણાવ્યા અનુસાર અદાણી જૂથે ભાવનગર-ઘોઘા વચ્ચે ગ્રીનફિલ્ડ પોર્ટ બનાવવા અંગે રસ દાખવ્યો છે, અને તે અંગેની કાર્યવાહી આગામી દિવસોમાં શરૂ થવાની છે.
રાજ્યની ૧૬૦૦ કિ.મી. દરિયાઇ પટ્ટી પર નવા બંદરો બનાવવાની અફાટ તકો અને રાજ્ય સરકારની બંદર ક્ષેત્રના વિકાસ કરવા માટે આપવામાં આવતા પ્રોત્સાહનોને પગલે રાજ્યમાં પિપાવાવ અને મુંદ્રા ખાતે બે ખાનગી પોર્ટ ધમધમી રહ્યા છે.
ભાવનગર બંદરની ભૌગોલિક પરિસ્થિતિ અને સવલતો, રેલવે કનેકટિવીટી જેવી બાબતોને ધ્યાનમાં રાખી અને અદાણી જૂથે તેઓના ઇન્ડોનેશિયા સાથેના કોલસાના કરાર અંર્તગત જંગી જથ્થો ગુજરાતના બંદરો પર આયાત કરવાના છે.
તે પૈકી ભાવનગર બંદરે પંચાવન હજાર ટનનું પ્રથમ જહાજ લાવવામાં આવ્યું હતું. જીએમબીના સુત્રોના જણાવ્યા અનુસાર ભાવનગર નવા બંદરે નોર્થ કવે જેટી બી.જી.એક્સપ્લોરેશન દ્વારા તાજેતરમાં ખાલી કરવામાં આવતા ત્યાં કોલસાનો કાર્ગો ડીસ્ચાર્જ કરાવવામાં આવી રહ્યો છે. અને આ સમગ્ર વિસ્તાર અદાણી જૂથ દ્વારા લીઝ પર હસ્તગત કરવા ગતિવિધીઓ તેઝ બની છે.
પિપાવાવ પોર્ટ પર સતત વધતા જતા ટ્રાફિકથી આકષૉયેલા અદાણી જૂથ દ્વારા ભાવનગર અને ઘોઘાની વચ્ચે ગ્રીનફિલ્ડ પોર્ટ વિકસાવવાની પણ યોજના છે, અને આ અંગે તેઓએ જીએમબીની ગાંધીનગર સ્થિત વડી કચેરીએ સંબંધિત વિભાગમાં રસ દાખવ્યો છે. અદાણી જૂથ પિપાવાવ પોર્ટની નજીકમાં પોર્ટ સ્થાપી અને તેઓના ટ્રાફિકનો હિસ્સો મેળવવાની હિલચાલ કરી રહ્યું છે.