રાજકોટ ચિલ્ડ્રન હોસ્પિટલમાં સતત એક માસ ખડે પગે વહાલ દર્શાવ્યું
ચોટીલાના જાનીવડલા ગામના ઉકરડામાં માતા દ્વારા ત્યજી દેવાયેલ અને કૂતરાઓએ ફાડી ખાધેલ હાલતમાં નવજોત બાળકી તા. ૧૭ ડિસેમ્બરે મળી આવી હતી. ત્યારે ચોટીલાના ત્રણ મહિલા કોન્સ્ટેબલોએ બાળકીનું સગી માતાની જેમ જતન કરી એક સ્ત્રી આખરે સ્ત્રી જ છે તેનું અદ્દભૂત ઉદાહરણ તાદૃશ કર્યું હતું.
ચોટીલા તાલુકાના જાનીવડલા ગામના ઉકરડામાં તાજી જન્મેલી બાળકીને તેની ક્રૂર જનેતાએ ફેંકી દીધી હતી. ત્યારે આ બાળકીને કૂતરાઓએ બચકા ભરી ફાડી નાંખી હતી. આથી મહિલા પોલીસ કોન્સ્ટેબલો પ્રતિક્ષાબેન જશવંતભાઇ પટેલ, સાધનાબેન હિંમતસિંહ વણઝારા, હેતલબેન ઘનશ્યામભાઇ ચાવડા રાજકોટ હોસ્પિટલમાં બાળકીની સુરક્ષાની ફરજ બજાવતા હતા.
આ ત્રણેય મહિલા કોન્સ્ટેબલોને એક માસમાં આ બાળકી સાથે જાણે કે, ગત જન્મની લેણદેણ હોય તેવી પ્રીત બંધાઇ ગઇ હતી. સગી માતાએ તો બાળકીને જન્મ આપીને ત્યજી દીધી પરંતુ જે બાળકી સાથે પોતાનો લોહીનો સબંધ પણ નથી તેવા ચોટીલાના આ ત્રણેય મહિલા કોન્સ્ટેબલોએ સગી માતાથી પણ વિશેષ આ બાળકીની કાળજી લીધી હતી.
એક માસ સારવાર બાદ આ બાળકીને ત્રણેય મહિલા કોન્સ્ટેબલોની આંખોમાંથી સતત વહેતી અશ્રુધાર વચ્ચે વઢવાણ વિકાસ વિદ્યાલયમાં સોંપવામાં આવી હતી. આ બાળકીનું નામ પરી રાખવામાં આવ્યુ હતુ તેમ મહિલા કોન્સ્ટેબલ પ્રતિક્ષાબેન પટેલે જણાવ્યુ હતુ.