શહેરના ગોકુલધામ આવાસ યોજનાના ક્વાર્ટરમાં આજથી પાંચ વર્ષ પહેલા પત્ની અને બે માસૂમ સંતાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલા આરોપી રમેશ સોનાગ્રા સામેનો કેસ ચાલી જતા અધિક સેશન્સ જજ એમ.જે.મહેતાએ આ કેસમાં ગુનાનો હેતુ,ઇરાદો,તૈયારી,હુમલો અને ગુનો થયો તેની પૂર્ણતા સાબિત થતી નથી તેમ ઠરાવીને આરોપીને શંકાનો લાભ આપીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
ચકચારી કેસની વિગત મુજબ, રમેશ ખોડાભાઇ સોનાગ્રાએ તા.પ/પ/૦૭ ના રાતે ૧ વાગ્યાથી ચાર વાગ્યાના અરસામાં તેની પત્ની કલ્પનાબેનનું ગળું ઓશિકાથી દબાવીને ગૂંગળાવીને હત્યા કર્યા બાદ, પુત્રી મોહિની (ઉ.વ.૨) અને બે માસના પુત્ર પ્રકાશને ગળાટૂંપો આપી નિર્દયી હત્યા કરી હતી. બાદમાં પોલીસ મથકે જઇને પડોશી રમેશ જેસિંગ રજપૂતે ત્રણેયની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી.તેમજ હત્યામાં ઉપયોગમાં લેવાયેલા ધોકામાં ‘આ ધોકો રમેશ રજપૂતનો છે’ તેમ લખી ધોકો મૃતદેહ પાસે મૂકી દીધો હતો.
સરકારી વકીલ ધીંમત જોષીએ રજૂઆત કરી હતી કે, આરોપી પત્નીના ચારિત્રય ઉપર શંકા કરતો હતો, મૃતદેહ ઘરમાંથી જ મળ્યા છે માટે ત્રણેય હત્યા આરોપીએ જ કરી હોવાનું શંકારહિત પુરવાર કરંુ છું. આ સામે બચાવપક્ષે લીગલ એઇડના ધારાશાસ્ત્રી ધીરજ પીપળીયાએ એવી દલીલ કરી હતી કે,આ કૃત્ય રમેશ સોનાગ્રાએ આચર્યું છે તેવું પુરાવા પરથી શંકારહિત પુરવાર થતું નથી. આરોપીને ગુનામાં સાંકળતો કોઇ સચોટ પુરાવો રજૂ થયો નથી તેમજ દાર્શનિક સાહેદ નથી માટે આરોપીને નિર્દોષ છોડી મુકવો જોઇએ.
સાક્ષી,પુરાવાને ધ્યાને લઇને અદાલતે આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકતા ચુકાદામાં ઠરાવ્યું હતું કે, સાંયોગિક પુરાવાની સાંકળ બનાવી પુરાવો રજૂ કરવામાં ફરિયાદપક્ષ નિષ્ફળ ગયો છે. તેમજ આ ગુનામાં ઓછામાં એવા બે વ્યક્તિએ ભાગ લીધો હોવાનું સ્પષ્ટ જણાઇ આવે છે. છતાં પોલીસે માત્ર એક આરોપી સામે કેસ મૂક્યો છે. અને પ્રોસિકયુશન જે સાક્ષીને મહત્વના ગણે છે તેના પુરાવા ઉપર આધાર રાખી શકાય તેમ નથી. સાહેદોને આરોપી સાથે દુશ્મનાવટ હોવાનું જણાય છે. ફરિયાદપક્ષે મહત્વના સાહેદ તપાસ્યા નથી. સંજોગોલક્ષી કેસમાં કલ્પના કે અનુમાન કરીને આરોપીને તકસીરવાન ઠેરવી શકાય નહીં.
સરકાર હાઇકોર્ટમાં અપીલ કરશે -
ચર્ચાસ્પદ ત્રિપલ મર્ડર કેસમાં આરોપીને શંકાનો લાભ આપીને છોડી મુકવાના અદાલતના ચુકાદા સામે સરકારપક્ષ દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે તેમ સરકારી વકીલ ધિમંત જોષીએ જણાવ્યું હતું.