સ્વાઇન ફ્લૂ વોર્ડમાં ૧૬ દર્દી દાખલ જેમાંથી ૧૨નો રિપોર્ટ પોઝિટિવ
સ્વાઇન ફ્લૂથી રાજકોટ હોસ્પિટલમાં દર્દીઓ ટપોટપ મોતને ભેટી રહ્યા છે. આજે બુધવારે વધુ બે મહિલાના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક ૧૪૫ થયો હતો. રાજકોટની મહિલા તથા કુકસવાડાની મહિલાએ એક જ દિવસમાં દમ તોડતાં દોડધામ મચી ગઇ હતી.
રાજકોટના ચુનારાવાડમાં રહેતી રુકસાનાબેન રફીકભાઇ (ઉ.વ.૨૫)ને ગત તા.૧૯ના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. જેનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવતાં સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ રુકસાનાની તબિયત લથડવા માંડી હતી અને બુધવારે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
તેમજ માળિયાના કુકસવાડા ગામના ગજરાબા અજીતસિંહ (ઉ.વ.૫૦)ને ગત તા.૨૪ના રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ગજરાબાનું પણ આજેમૃત્યુ થયું હતું. એક સાથે બબ્બે મહિલાના મોતથી સ્વાઇન ફ્લૂ વોર્ડમાં દાખલ અન્ય દર્દીઓ અને તેના સંબંધીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
રાજકોટ મેડિકલ કોલેજ લેબોરેટરી ખાતે વધુ ૧૬ દર્દીઓના સેમ્પલનું પૃથક્કરણ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૭નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્વાઇન ફ્લૂ વોર્ડમાં હાલમાં ૧૬ દર્દીઓ દાખલ છે જેમાંથી ૧૨ દર્દીઓ સ્વાઇન ફ્લૂગ્રસ્ત છે.