સૂચિત સોસાયટીઓ રાજ્ય સરકાર અને કોર્પોરેશનો માટે મોટામાં મોટી મત બેંક હોવાનું વધુ એકવાર પુરવાર થયું છે. વર્ષોથી કાનૂની અનિશ્ચિતતાઓ વચ્ચે જીવતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોના આવાસને કાનૂની સ્વરૂપ આપી દેવાને બદલે સુવિધાઓના નામે બટકાં ફેંકવામાં આવી રહ્યા છે. જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે સૂચિત સોસાયટીઓ માટે આવી જાહેરાત કરવામાં આવે છે પરંતુ તેમને રેગ્યુલરાઇઝ કરવાનો નક્કર નિર્ણય કરાતો નથી.
કોઇ દસ્તાવેજ કે લેઆઉટ વગર બિનખેતીમાં પરિવતિgત થયા વગરની જમીનો પર બનેલી સોસાયટીઓને સૂચિત સોસાયટી કહે છે અને તે કાનૂની દ્રષ્ટિએ યોગ્ય નથી. પરંતુ આવી સોસાયટીઓના અસ્તિત્વમાં વાંક તેના નિર્માતાઓ અને ભ્રષ્ટ તેમજ નિષ્ક્રિય નિંભર તંત્રનો છે. અશિક્ષિત લોકો સસ્તા ભાવે પોતાનું મકાન બનાવવાનું સ્વપ્ન આ સૂચિત સોસાયટીમાં પૂરું કરતા હોય છે.
મોટે ભાગે તેમને અંધારામાં રખાય છે કે તેમનું આ મકાન કોઇપણ સમયે તંત્રના બુલડોઝરનો ભોગ બની શકે છે. કોઇને કોઇ રાજકીય નેતાઓ આવી સોસાયટીના નિર્માણમાં ભાગીદાર હોય છે. પરિણામે મકાનો વેચી નિર્માતાઓ માલામાલ થઇ જાય છે અને વર્ષો પછી તંત્ર જ્યારે ત્રાટકે ત્યારે ત્યાં રહેનારા પાઇમાલ થઇ જાય છે.
રાજકોટમાં લગભગ ૪૦ ટકા વિસ્તાર સૂચિત સોસાયટીઓનો છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ આવા વિસ્તારો છે. વર્ષોથી એવી માગણી ઉઠી રહી છે કે, આ સૂચિત સોસાયટીઓને રેગ્યુલરાઇઝ કરી દેવી જોઇએ. જ્યાં લાખો લોકો નિવાસ કરતા હોય તેવા વિસ્તારોમાં ડિમોલશિન શક્ય પણ નથી અને આવકાર્ય પણ નથી. તેથી નવી સૂચિત સોસાયટીઓ ન બનવા દેવી તેવું સરકાર નક્કી કરે તો અલગ વસ્તુ છે પરંતુ હયાત સૂચિત સોસાયટીઓને તો માન્યતા આપવી જ પડે તેવી સ્થિતિ છે.
વિવિધ રાજકીય પક્ષોને પણ આમા રસ છે. એટલે જ સૂચિતને અનુલક્ષીને આવી સુવિધાની જાહેરાતો ચૂંટણી વખતે કરવામાં આવે છે. પરંતુ સૂચિત સોસાયટીને રેગ્યુલરાઇઝ કરી નાખવાનો નિર્ણય એક ઝાટકે લેવાતો નથી. આવા વિસ્તારમાં રહેતા લોકોની પણ તીવ્ર લાગણી એ જ છે કે તેમને આવી રીતે લટકાવવા અને અનિશ્ચિતતામાં રાખવાને બદલે કાનૂની સ્વરૂપ આપીને કાયમની ચિંતામાંથી મુક્ત કરવા જોઇએ.