રાજકોટના લોકમેળામાં આમ તો આ વર્ષે કાંઇ પણ ખાવું જોખમી છે છતાં લોકો ભવિષ્યની ચિંતા કર્યા વગર,‘આજનો લ્હાવો લઇએ જી રે કાલ કોણે દીઠી છે’એવું માનીને ખાણી-પીણીની મજા લઇ રહ્યા છે.મેળો હોય કે તે સિવાયની હોટેલ બધું પેક રહે છે.જો કે મેળામાં લોકો મોટાભાગે વાસી ખોરાક લેવાનું ટાળી રહ્યા છે પરંતુ તે પણ સાવ તો બંધ નથી જ. છતાં ગરમ અને પૌષ્ટિક કહેવાય તેવી ચીજો લોકો ખાઇ રહ્યાછે.
લોકમેળામાં દરવર્ષની જેમ પાઉંભાજી, ભેળ , ભજિયાં, પેટીસ, સેન્ડવીચ,પીઝા,પાણીપુરી,સેવપુરી જેવી સંખ્યાબંધ વસ્તુઓ મળે જ છે પરંતુ જે લોકો ‘હવાનું રૂખ’સમજે છે તેઓ વાસી કે વસ્તુઓ ખાવાનું ટાળે છે. મેળામાં સ્ટીમ ઢોકળાના જેટલાં સ્ટોલ છે ત્યાં ભીડ વધારે છે.ગરમ ગરમ ઢોકળાં,લસણની ચટણી-તેલ ખાવાની મજા લોકો લઇ રહ્યાં છે.ઢોકળાં ખાવાથી પેટને વધારે નુકસાન થતું નથી.સાથે જ રાજકોટના લોકોની પ્રિય વાનગી,રાત્રે જમ્યા પછીનો નાસ્તો તેવી અમેરિકન મકાઇના સ્ટોલ પણ ફુલ છે.
મેળામાં ભેળ કરતાં પણ વધારે ખવાતું હોય તો એ છે ‘કાઠિયાવાડી ખીચું’ ગરમ ખીચું, એમાં તેલ અને મરચાંનો ભુક્કો આ ઘરઘરાઉ ડીસ પણ હવે મેળાના સ્ટોલની વાગગી બની છે. લોકો ચમચીથી અને છેલ્લે તો આંગળાં ચાટીને ખીચું ખાય છે.ગરમ પાઉંભાજી અને રગડો તેમજ વડાપાંઉ વરસાદી સીઝનને લીધે ઉપડે છે પરંતુ શહેરી પ્રજા તે ખાતી નથી. ફ્રૂટ ડીસના પણ સ્ટોલ છે પરંતુ ખુલ્લા ફળ ખાવામાં પણ લોકો પરેજ રાખતા જોવા મળ્યા હતા.
બ્રાન્ડેડ અને લોકલ આઇસક્રીમનું મહત્વ મેળામાં યથાવત છે.વિવિધ પ્રકારની કેન્ડી અને કોન મેળો માણનારાઓ ખાઇ રહ્યા છે.કપમાં પણ તેટલો જ આઇસક્રીમ ખવાય છે.સસ્તા જયુસ લોકો બેફામ પીવે છે જે રોગચાળો સર્જી શકે છે.પાણીના પાઉચનું પણ એવું જ ધૂમ વેચાણ છે.