સૌરાષ્ટ્રમાં છેલ્લા છ દિવસથી ગગનગોખેથી કાળાડિબાંગ વાદળો સાંબેલાધારે પાણી વરસાવી રહ્યા છે. જેમાં મંગળવારે પણ અડધાથી ૧૪ ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા થતાં અતિવૃષ્ટિની ભીતિ સેવાઇ રહી છે. જામનગર જિલ્લામાં અડધાથી ૧૪ ઇંચ વરસાદ નોંધાયો હતો.
જેમાં ખંભાળિયામાં સાંબેલાધારે ૧૪ ઇંચ પાણી પડ્યું હતું. પોરબંદર જિલ્લામાં વધુ આઠ ઇંચ જેટલો અનરાધાર વરસાદ નોંધાયો હતો તો જૂનાગઢ જિલ્લામાં અડધા ઇંચથી સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તેમજ રાજકોટ જિલ્લામાં ઝાપટાંથી માંડી આઠ ઇંચ સુધીનું આભમાંથી પાણી પડ્યું હતું. અમરેલી જિલ્લામાં ઝાંપટાંથી માંડી ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં સતત વરસતા વરસાદ વચ્ચે છેલ્લા છ દિવસથી સૂપડાધાર વરસાદ વરસતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાણી છે. અનેક ખેતરોમાં પૂરના પાણી ફરી વળ્યાં છે. આ ઉપરાંત હજુ પણ ગગનગોખે કાળા વાદળોની ગડગડાટી સાથે આભ નીચવાઇ રહ્યું છે ત્યારે લીલા દુકાળની શક્યતા સેવાઇ રહી છે.
મંગળવારે જામનગર જિલ્લાના ખંભાળિયામાં સાંબેલાધારે ૧૪ ઇંચ પાણી પડી જતા વધુ એક વખત ખંભાળિયાના અનેક વિસ્તારો અને ગ્રામ્ય પંથકોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. અને કલ્યાણપુરમાં સાડા પાંચ, ભાણવડ-લાલપુર અને કાલાવડમાં અઢી, દ્વારકામાં બે, જામજોધપુર-ધ્રોલમાં દોઢ અને જોડિયામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. વધુ એક વખત હાલારમાં અવિરત વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે જળાશયો પુન: છલકાઇ ગયા હતા.
જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાણી છે. મંગળવારે પણ માણાવદરમાં સાડા ચાર, વંથલીમાં ચાર ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સૂત્રાપાડા-મેંદરડામાં સાડા ત્રણ, જૂનાગઢમાં ત્રણ, કેશોદમાં પોણા બે, વિસાવદર-ઊનામાં દોઢ, માંગરોળ-કોડીનાર અને મા. હાટીનામાં એક ઇંચ તેમજ ભેંસાણ-તાલાલા-વેરાવળમાં પોણો ઇંચ પાણી વરસ્યું હતું. સતત વરસતા વરસાદથી નદી-નાળામાં ઘોડાપૂર ઊમટયા છે.
પોરબંદર પંથકમાં જાણે મેઘો ઓળઘોળ થઇ ગયો હોય તેમ સૂપડાધારે પાણી વરસાવી રહ્યો છે. કુતિયાણામાં વધુ આઠ ઇંચ આભમાંથી ઠલવાયું હતું. અને પોરબંદરમાં વધુ ચાર, રાણાવાવમાં ત્રણ ઇંચ વરસાદ વરસતા જિલ્લાભરમાં પાણી-પાણી સ્થિતિ સર્જાણી છે. આ ઉપરાંત માધવપુર ઘેડમાં ધોધમાર પાંચ ઇંચ પાણી વરસી જતાં હજુ એક વખત ઘેડ પંથકમાં અનેક ગામોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા.
જ્યારે રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં મંગળવારે કોટડાસાંગાણી પંથકમાં સૂપડાધારે આઠ ઇંચ, જસદણ પંથકમાં સાત ઇંચ પાણી પડ્યું હતું. આ ઉપરાંત લોધિકામાં સવા ચાર ઇંચ, ધોરાજી-ઉપલેટામાં ત્રણ, જામકંડોરણામાં અઢી, ગોંડલમાં બે, પડધરી-જેતપુરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મોરબી-માળિયા સહિતના વિસ્તારોમાં હળવા-ભારે ઝાપટાં વરસતા રહ્યા હતા. અમરેલી જિલ્લામાં પણ આભમાંથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.
જેમાં બાબરામાં ચાર ઇંચ, ખાંભા પંથકમાં સાડા ત્રણ, બગસરામાં ત્રણ, ધારીમાં પોણા ત્રણ, રાજુલામાં દોઢ, અમરેલીમાં એક, સાવરકુંડલામાં પોણો અને લાઠી-વડિયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રભરમાં છેલ્લા સપ્તાહ દરમિયાન અનરાધાર વરસાદ વરસતાં નદી-નાળા છલકાઇ ગયા છે સાથોસાથ અનેક ખેતરોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. જેના કારણે મહામૂલી મોલાતને વ્યાપક નુકસાન થવાની ભીતિ ભૂમિપુત્રો વ્યક્ત કરી રહ્યા છે. હજુ પણ ભારે વરસાદની હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે ત્યારે લીલા દુકાળની ભીતિ સેવાઇ રહી છે.વાસાવડી નદીના પૂરમાં આધેડ તણાયા -
રાંદલના દડવા પાસેની વાસાવડી નદીના પૂરમાં ભનુભાઇ જીવણભાઇ દેવીપૂજક નામના ૪૫ વર્ષના આધેડ તણાઇ ગયા હતા. જ્યારે રાજકોટના છેવાડે આવેલા પારડી ગામે રહેતા ભરતભાઇ જસમતભાઇ ઘેટિયા નામનો યુવાનનું સ્કૂટર ખોખળદડ નદીના બેઠા પુલ પર િસ્લપ થતાં યુવાન પૂરના પાણીમાં ગરક થઇ ગયો હતો.
સીમાસીમાં મકાન ધરાશાયી : દંપતીને ઈજા -
ઊના પંથકમાં પડી રહેલા વ્યાપક વરસાદને પગલે સીમાસીમાં એક મુસ્લિમ પરિવારનું મકાન ધરાશાયી થઈ જતા ફિરોજભાઈ જીણાભાઈ દલ તથા તેમના પત્ની રોશનબેનને નાની મોટી ઈજા પહોંચી હતી. જો કે, દંપતી દોડીને બહાર નીકળી ગયું હતું.