DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘકૃપા : પડવલામાં પ ઈંચ
Bhaskar News, Rajkot
| Aug 30, 2012, 03:47AM IST

રાજકોટ જિલ્લામાં ઉપલેટા, અને ધોરાજી પંથકમાં ધોધમાર ૧થી ૩ ઈંચ પાણી વરસી ગયું, સુરેન્દ્રનગર અને જામનગર પંથકમાં જોરદાર ઝાપટાં
ભાયાવદર પાસેના ગામડાંમાં ત્રણ કલાકમાં પાંચ ઈંચ વરસાદ પડતાં ૭૦ ચેકડેમ છલકાયા : નાની સિંચાઈનો મોટા ડેમ તરીકે ઓળખાતો ચેકડેમ પણ અડધો ભરાયો
સૌરાષ્ટ્-કચ્છ પર અંતે મેઘકૃપા થઈ રહી છે, છેલ્લા બે દિવસથી વરસાદ વરસવાનું શરૂ થયું છે. બુધવારે તો રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ અને પોરબંદર જિલ્લાના કેટલાક ગામડાંઓમાં પાંચ-પાંચ ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાં જોરદાર ઝાપટાં વરસ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય વિસ્તારોમાં એકથી ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આગામી બે દિવસ સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરાઈ છે. મેઘરાજા મનમૂકીને વરસે તેવી આશા જાગી છે.
રાજકોટ જિલ્લામાં ધોરાજી, ઉપલેટા, ભાયાવદર અને જસદણ પંથક પર મેઘમહેર ઉતરી હતી. ભાયાવદરથી મળતાં અહેવાલ મુજબ મોટી પાનેલીમાં ૩ ઈંચ, ઢાંકમાં બે ઈંચ અને ભાયાવદરમાં બે ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે ભાયાવદરથી ૧૦ કિ.મી. દૂર આવેલા પડવલા ગામમાં સાંજના સમયે માત્ર ત્રણ કલાકના સમયગાળામાં પ ઈંચ વરસાદ વરસી જતાં ૭૦ ચેકડેમ છલકાઈ ગયા હતા. જ્યારે સિંચાઈ માટેનો મોટાડેમ તરીકે ઓળખાતો ચેકડેમ પણ અડધો ભરાયો હતો. જામકંડોરણા તાલુકામાં પણ અડધાથી બે ઈંચ છૂટો છવાયો વરસાદ થયો હતો. જ્યારે જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અડધો ઈંચ વરસાદ થયો હોવાના અહેવાલ મળે છે.
જામજોધપુર-ભાણવડમાં જોરદાર ઝાપટા
જામનગર : જામનગર શહેર-જિલ્લામાં સતત સપ્તાહ સુધી અવિરત વરસાદી માહોલ વચ્ચે હળવા ભારે ઝાપટાઓનો સિલસિલો યથાવત રહયો હતો દરમ્યાન બુધવારે ભાણવડ અને જામજોધપુરમાં હળવા ભારે ઝાપટાઓ પડ્યા હતા.ભાણવડમાં સાંજે ચાર વાગ્યા બાદ શરૂ થયેલી હળવી મેધવર્ષાના પગલે પાંચ મી.મી. પાણી વરસ્યુ હતુ.જયારે જામજોધપુરમાં ભારે મેધાડંબર વચ્ચે જોરદાર ઝાપટાઓ વરસ્યા હતા અને ચાર મી.મી. પાણી વરસ્યાનું કંટ્રોલરૂમે જણાવ્યુ હતુ.જોકે, જામજોધપુરના અમુક ગ્રામ્ય પંથકના સીમ વિસ્તારોમાં એક-દોઢ ઇંચ વરસાદના અહેવાલ જાણવા મળ્યા છે.
ખાવડામાં વધુ બે ઇંચ : નિરોણા, સુમરાસરમાં એકથી સવા ઇંચ
ભુજ : કચ્છમાં રહી રહીને સક્રિય બનેલા મેઘરાજા ગઇરાતથી ખાસ કરીને પચ્છમ વિસ્તાર પર મહેરબાન થતાં બુધવારે ખાવડા અને આસપાસના ગામોમાં વધુ બે ઇંચ પાણી વરસી ગયું હતું, તો ગાંધીધામ, રાપર, માંડવી, નખત્રાણા અને ભુજના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી ભારે ઝાપટાં પડ્યાં હતાં. નખત્રાણા અને ભુજને જોડતી પાવરપટ્ટીમાં મેઘાએ આજે વાવર બતાવ્યો હતો અને નિરોણાથી સુમરાસર સુધીના પંથકમાં એકથી સવા ઇંચ વરસાદ થતાં પશુપાલકો અને ખેડૂતોએ રાહત અનુભવી હતી.
પાટડી અને લખતરમાં ભારે વરસાદ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં વરસાદી ઝાપટામાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જયારે લખતર શહેરમાં બપોરે વરસાદી વાતાવરણ સર્જાયા બાદ વરસાદ ખાબકયો હતો. જેમાં ૬પ મી.મી. જેટલુ પાણી વરસ્યુ હતું. પાટડીમાં બુધવારે વહેલી સવારથી કાળા ડીબાંગ વાદળો વચ્ચે બપોરે ગાજવીજ સાથે વરસાદ ખાબકયો હતો.
બાબરા-અમરેલીમાં બે, લીલિયામાં દોઢ ઈંચ પાણી પડ્યું
અમરેલી : અમરેલી જીલ્લામાં આજે પણ અનરાધાર મેઘ સવારી શરૂ રહી હતી. બાબરામાં બપોર બાદ ધોધમાર વરસાદ તુટી પડતા એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. કાળુભાર નદીમાં પણ પુર આવ્યુ હતું. રાત્રે આઠ કલાકે અમરેલીમાં ધોધમાર વરસાદ તુટી પડતા બે ઇંચ પાણી પડી ગયુ હતું. જ્યારે લીલીયામાં સાત વાગ્યે શરૂ થયેલી મેઘ સવારીને પગલે સાડા આઠ વાગ્યા સુધીમાં દોઠ ઇંચ વરસાદ પડી ગયો હતો. આજે સાવરકુંડલા, લાઠી અને રાજુલામાં પણ અડધો ઇંચ વરસાદ થયો હતો. જ્યારે ખાંભામાં એક ઇંચ વરસાદ પડી જતા ધરતીપુત્રો રાજી થયા હતાં. ધારીમાં પણ સવારે જોરદાર ઝાપટુ પડી ગયુ હતું. વડિયામાં એક ઈંચ વરસાદ થયો હોવાના અહેવાલ મળે છે.
મધ્યગીર જંગલમાં ચાર ઇંચ વરસાદ
જૂનાગઢ : તાલાલા સહિત સમગ્ર ગીરપંથકમાં આજે બપોર પછી મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. આંબળાશ અને પીપળવામાં દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત હડમતીયા, ભીમદેવળ, ઘુંસીયા, ગુંદરણ, આંકોલવાડી, બામણાસા, સુરવા, જશાપુર, મોરૂકા, ધાવા, બોરવાવ, રમળેચી, માધુપુર, ચિત્રાવડ, હરીપુર, ધણેજ સહિતનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વ્યાપક વરસાદ પડતાં મુરઝાતી મોલાતને 'પાણ’ મળી જવાથી જીવત દાન મળી ગયું છે. જયારે વિસાવદરનાં કનકાઇ મધ્યગીર જંગલમાં પણ મધરાતનાં સમયે ત્રણથી ચાર ઇંચ જેવો વરસાદ પડી જતાં શીંગોડા અને રામપરી નદીમાં પુર આવ્યા હતા. ઝાંઝેશ્રી અને ધ્રાફડ ડેમમાં પણ નવા નીરની આવક થયેલ હોવાનું જાણવા મળે છે. જયારે કોડીનાર પંથકમાં આજે બપોરનાં બે વાગ્યા આસપાસ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં એક ઇંચ પાણી પડી ગયું હતું. સુત્રાપાડાનાં ઘંટીયા પ્રાચીમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ પડી ગયો હતો. માણાવદર, સણોસરા, ગડવાવ, દગડ, ખાંભલા, બુરી, જીલાણા, સહિતનાં ગામોમાં એક ઇંચ જેવું પાણી પડી ગયું છે. જૂનાગઢમાં મેઘાની મહેરથી એક ઇચ જેવો વરસાદ વરસી ગયો હતો.
કુતિયાણા તાલુકામાં ધોધમાર બે થી પાંચ ઈંચ વરસાદ
પોરબંદર : પોરબંદર જિલ્લામાં બુધવારે કુતિયાણા તાલુકા ઉપર મેઘરાજા ઓળઘોળ થયા હતા. ચૌટા, રોઘડા, બીલડી, ડાડુકા, માલણકા, આમદપરામાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સિંધપુરમાં ધોધમાર પાંચ ઈંચ વરસાદ ખાબકતા વાડી-ખેતરો અને વોંકળામાંથી પાણી વહેવા માંડ્યા હતા. પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે માત્ર ઝાપટા જ પડી રહ્યા હોય, પોરબંદર અને રાણાવાવ તાલુકો હજુ કોરોધાકોડ હોય ત્યાં આજે કુતિયાણા તાલુકાના ગામડાઓમાં મેઘરાજા ઓળઘોળ થઈ ગયા હતા અને બે થી પાંચ ઈંચ જેટલું પાણી ઠાલવી દીધું હતું. જેને પગલે ખેડૂતોના ચહેરા ઉપર આનંદ જોવા મળતો હતો. જો કે કુતિયાણા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે માત્ર ઝાપટા જ પડ્યા હતા. પોરબંદર શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ઝાપટા પડ્યા હતા.






