થોડા સમય પહેલાં અહીં સ્વતંત્રતાપર્વની ઉજવણી થઇ ત્યારે બે માસથી તંત્ર ઊંધા માથે હતું,છેલ્લા દિવસોમાં તો વરસાદ પડે કે તરત કપચી-માટીના ટ્રકના ટ્રક ઠલવાતા,તે જ મેદાનમાં અત્યારે રાજકોટના લોકો મેળામાં ફરી રહ્યા છે પરંતુ તેમણે કાદવ ખૂંદવો પડી રહ્યો છે.સતત પડતા વરસાદને લીધે પાણી સૂકાતું નથી,કાદવ પણ યથાવત છે.
આમ તો તંત્રે આ વર્ષે મોસમનો મિજાજ જોઇને જ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની જરૂર હતી,પરંતુ આ મેળામાં તો સામાન્ય માણસો જ આવવાના હતા, મંત્રી કે વીઆઇપી તો અહીં ફરકે નહીં તેથી તંત્રે થોડું કામ કર્યું,બાકી રામ ભરોસે. જેટલી કપચી કે રેતી કે મોરમ ઠલવાઇ હોવાનું કાગળ પર દર્શાવાયું છે તેટલી ઠલવાઇ હશે કે નહીં તે પણ સવાલ છે.
પ્રથમ દિવસે જે પ્રમાણમાં વરસાદ પડ્યો તેવી રીતે જ આજે પણ વરસાદ પડ્યો છે પરંતુ તેની વચ્ચે બે દિવસ કોરા ગયા ત્યારે પણ કાદવ ઉલેચવાનું કે ખાબોચિયાં સૂકવવાનું તંત્રને જરૂરી જણાયું નથી.સાતમ અને આઠમના દિવસોએ પણ મેળામાં ફરનારા માણસો કાદવ ખૂંદીને ફયાઁ હતાં, તેમના માટે ગંદા પાણીમાં જ જવા સિવાય કોઇ વિકલ્પ નહોતો.