રાજકોટ મહાનગરપાલિકા તેના મૂળ કામોમાં ધ્યાન દેવાને બદલે રાજ્ય સરકારની ફરમાઇશ મુજબ ગરીબ કલ્યાણ મેળાના ગાણા ગાઇ રહી છે ત્યારે આ મેળા સહાયના નામે થતા નાટક હોવાનું બહાર આવ્યું છે. કોર્પોરેટરે પૂછેલા એક સવાલના જવાબમાં આ વિગતો ખૂલી છે.
કોંગ્રેસના કોર્પોરેટર નવિનત વ્યાસે પૂછેલા પ્રશ્નના જવાબમાં એવો ઉત્તર અપાયો છે કે, કેન્દ્ર સરકારમાંથી વિવિધ યોજનાઓ માટે આવેલી ગ્રાંટને રૂ.૧૫૮.૯૫ લાખ વણ વપરાયેલા પડ્યા છે. રોજગાર યોજના માટે કોર્પોરેશને માત્ર રૂ.૬.૩૮ લાખનો ખર્ચ કર્યો છે. સ્વરોજગાર યોજનાઓ માટે ૭.૮૮ લાખ અને મહિલાલક્ષી યોજનાઓ માટે ૨૦ લાખ ફાળાવાયા છે.
એક તરફ ગરીબ કલ્યાણ મેળા યોજીને લોકોને મોટી સહાય કરવામાં આવી હોવાનો દાવો થઇ રહ્યો છે ત્યારે બીજી તરફ સરકાર જે ગ્રાંટ મોકલે છે તેનો ઉપયોગ કરવામાં કોઇને રસ નથી.
કોર્પોરેશનમાં બીપીએલ કાર્ડ ઉપરાંત પાણી અને રોગચાળા જેવી રોજિંદી સમસ્યાઓ માટે દરરોજ ટોળાં આવે છે. તો વાલ્મિકી સમાજ ભરતીની માગ લઇને ઊમટે છે.
પરંતુ આ ટોળાંનો અવાજ સાંભળવા કોઇ નવરૂ નથી કારણ કે પદાધિકારીઓના કાનમાં ચૂંટણીના બ્યુગલો ગુંજે છે અને અધિકારીઓ સરકારના પૈસે ભાજપનો પ્રચાર કરવામાં ઓતપ્રોત છે.