શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ ઠેર ઠેર જુગારની મોસમ ખીલે છે. જેમાં કરોડો રૂપિયાની હાર જીત થાય છે. જુગાર રમવો કાનૂની રીતે ગુનો બનતો હોવા છતાં છાને ખૂણે બેરોકટોક જુગાર રમાતા રહે છે અને કરોડોની હાર જીત થતી રહે છે. મોટી સંખ્યામાં હાર જીત થતી હોવા છતાં પોલીસે શ્રાવણ માસમાં જુદા જુદા સ્થળોએ જુગારના દરોડા પાડી માત્ર સાડા પાંચ લાખની રોકડ જ કબજે કરવામાં સફળતા મેળવી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજકોટના એક કોંગી અગ્રણી એક જ રાતમાં પ કરોડ જેવી માતબર રકમ જુગારમાં હારી ગયા હતા ત્યારે અન્ય સ્થળોએ કેટલો જુગાર રમાયો હશે તેની કલ્પના કરવી મુશ્કેલ નથી. પોલીસે શ્રાવણ માસ દરમિયાન જાહેરમાં કે મકાનમાં જુગાર રમતા પચાસથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા.
જેમાં કુલ ૩૦૦ જેટલા પત્તાપ્રેમીઓને સાડા પાંચ લાખથી વધુની રોકડ સાથે ઝડપી લીધા હતા. જો કે પોલીસે જુગારના પટમાંથી રોકડ ઉપરાંત મોબાઇલ, વાહનો સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યા છે. શહેરના દસ પોલીસ મથકો પૈકી પ્રધ્યુમનનગર, ભકિતનગર અને એ ડિવિઝન પોલીસે વધુ જુગારના દરોડા પાડ્યા હતા.
જુગારમાં મહિલાઓ પણ બાકાત નથી
શ્રાવણ માસ દરમિયાન પોલીસે જુગાર રમતા ત્રણસોથી વધુ લોકોને પકડી પાડ્યા હતા . જેમાં ૧૧ જેટલી મહિલાઓ પણ જુગાર રમતા પકડાઇ છે. આમ, જુગાર રમવામાં પણ મહિલાઓ પુરુષ સમોવડી બની છે.