પીજીવીસીએલ દ્વારા જુનિયર આસિસ્ટન્ટની ભરતી કરવા માટે આપેલી જાહેરાત બાદ ૩૯૬ બેરોજગારોને નોકરીનું ‘ગાજર’ અપાતું હોય આ મુદ્દે વિધ્યુત સહાયક અન્યાય નિવારણ સમિતિએ આસિસ્ટન્ટ જનરલ મેનેજરને આવેદનપત્ર પાઠવી વેઈટિંગમાં રખાયેલા ૩૯૬ બેરોજગારોને વીજ કંપનીમાં સમાવી લેવા રજુઆત કરી હતી. જો કે આ સમયે એજીએમ કક્ષાના અધિકારીએ બેરોજગારોની વાત સાંભળવાના બદલે તેઓની મશ્કરી કરતાં હોય તેવા ઉડાઉ જવાબો આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વીજ કંપનીમાં જુનિયર આસિસ્ટન્ટની ભરતી પૂરી થઈ ગઈ છે. જો કે ૩૯૬ જેટલા ઉમેદવારોનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાંથી ૬૧ જેટલા ઉમેદવારોની ભરતી કરી દેવામાં આવી છે પરંતુ બાકીના બેરોજગારો પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે.
પીજીવીસીએલ દ્વારા આઠ માસ થઈ જવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા બુધવારે વિધ્યુત સહાયક અન્યાય નિવારણ સમિતિના નેજા હેઠળના બેરોજગારો આસિસ્ટન્ટ જનરલ મેનેજર કટારાને મળ્યા હતા અને વેઈટિંગમાં રહેલા બેરોજગારોની ભરતી નહીં કરીને અન્યાય કરવામાં આવ્યો હોવાની રજુઆત કરવામાં આવી હતી.
આ સમયે એજીએમ કટારાએ એવા જવાબો આપ્યા હતા કે હાલમાં સ્ટાફ સરપ્લસ છે અને વેઈટિંગનું લિસ્ટ કદાચ કેન્સલ પણ કરી નાખવામાં આવે. અને ભરતી માટે બોર્ડ આગામી દિવસોમાં પરીક્ષા પણ લે તેવી સંભાવના છે.