- રાજકોટથી બિનનિવાસી ગુજરાતી-ભારતીઓને લઇ જવા કલેક્ટરતંત્રના હવાતિયાં
રાજકોટમાં જળશક્તિ સંમેલન હજી તો પૂર્ણ થયું અને તંત્રે રાહતનો શ્વાસ લીધો તથા લોકોને પણ હાલાકી ઓછી થઇ ત્યાં જ રાજકોટના વહીવટીતંત્રને ગાંધીનગરમાં મળી રહેલા એન.આર.જી સંમેલનમાં માણસો એકઠા કરીને લઇ જવાનો આદેશ થયો છે.
ગુજરાતની સ્વર્ણિમ જયંતિ વર્ષના ઉપલક્ષમાં તા. ૩૦મીએ ગાંધીનગરમાં એન આર આઇ,એન આર જી સંમેલન મળી રહ્યું છે. આ સંમેલનમાં રાજકોટ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં માણસો લઇ જવા જિલ્લા કલેક્ટરને આદેશ થયો છે. ગયું આખું અઠવાડિયું સરકારે પંચશક્તિ આધારિત વિવિધ સંમેલનો કર્યા હતા. કચ્છના રાપર, સૌરાષ્ટ્રમાં મોરબી,લીમડી રાજકોટમાં હજારો લોકોને એકઠા કરવા માટે એસ.ટી.બસો,રેવન્યુતંત્ર વગેરેની વ્યવસ્થા કરાઇ હતી.
મોદી સરકારના આ સંમેલનો પાછળ થયેલો ખર્ચ તથા એસ.ટી.બસો બંધ રહેવાથી લોકોને જે મુશ્કેલી પડી તે વિવાદનો મુદ્દો બન્યો છે. બીજી તરફ આખું વહીવટીતંત્ર આ કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યું છે ત્યારે હવે વધુ એક ફંકશનની તૈયારી શરૂ થઇ છે. ગાંધીનગર ખાતે ૩૦મીએ મળી રહેલા બિનનિવાસી ગુજરાતીઓના સંમેલનમાં રાજકોટ જિલ્લા માંથી લોકોને લઇ જવાનો આદેશ છે.કલેક્ટર તંત્ર પ્રથમ આવા કેટલા લોકો અહીં છે તેનો સર્વ કરશે અને પછી તેમને અહીંથી લઇ જવાની વ્યવસ્થા કરશે.