Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Rajkot City
 

મેળામાં રાત્રે દોઢ લાખની જનમેદની

 
Source: Bhaskar News, Rajkot   |   Last Updated 12:29 AM [IST](02/09/2010)
 
 
 
 
 
આ છે અસલી મિજાજ રાજકોટનો, સહેજ ઉઘાડ નીકળ્યો ને લોકો મેળામાં ઉમટયા.

છેલ્લા એક પખવાડિયાથી સતત વરસતા વરસાદે બુધવારે વિરામ લેતાં જ રાજકોટવાસીઓની ઉત્સવપ્રીયતા ઉછળી આવી હતી અને રેસકોર્સના લોકમેળાના સ્થળે સર્જાયેલા કાદવ કીચડના સામ્રાજ્યને અવગણીને લાખો રાજકોટવાસીઓ મેળામાં ઊમટી પડ્યા હતા.

વરસાદમાં ગામના ગામ ધોવાઇ જાય તોય રાજકોટવાસીઓનો ઉત્સાહ ન ધોવાય તેવું વધુ એકવાર પુરવાર થયું છે. ગઇકાલે તો વરસાદે ગામને કબજામાં લીધું હતું શેરીઓમાં નદી અને ચોકમાં તળાવ હતાં,પરંતુ જે ગતિથી ગઇકાલે શેરીઓમાં પાણી વહેતાં હતાં તે જ ગતિથી આજે માણસોનો પ્રવાહ રેસકોર્સ ગ્રાઉન્ડ તરફ વળી રહ્યો છે. કલેક્ટરતંત્રના સત્તાવાર સૂત્રોના જણાવાયા અનુસાર રાત્રે ૯-૩૦ કલાકે મેળામાં દોઢ લાખની જનમેદની ઉપસ્થિત હતી. એક લાઇનમાં કહીએ તો બીજા દિવસે મેળાનો રંગ રાજકોટમાં જામી ગયો હતો.

બપોર સુધી રાજકોટમાં વરસાદનો વિરામ થતાં જ લોકો મેળામાં પહોંચ્યા હતા અને સાંજે તો ફરી એજ ઉમંગથી બાળકો મમ્મી-પપ્પાના હાથ પકડીને, તેડાવવાના કજિયા કરતા કે પછી રમકડાંની શરતો કરતાં અંદર જતાં હતા. ચકડોળને આઘેથી ફરતાં જોઇને પગ ઝડપથી મેળા ભણી ભાગતા હતા તો મેળામાંથી આવતા માઇકના ઘોઘરા અવાજો પણ કાનને જાણે ગમતા હતા, માણસોના ટોળેટોળાં મેળામાં જોઇને જેમણે સ્ટોલ નાખ્યા છે તે વેપારીઓ અને બહારથી આવેલા ચગડોળવાળાઓના જીવમાં જીવ આવ્યો હતો.

મોડીસાંજે માણસોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી ગઇ હતી. કલેક્ટર ઓફિસના ભરત કાસુન્દાને જ્યારે સંખ્યા અને મેળાની અન્ય વિગતો પૂછવા ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું કે હું મેળામાં લોકોની વચ્ચોવચ છું, કાંઇ સંભળાતું નથી,માણસ ઘણુ છે, તેમણે ઉમેર્યું કે સાડાસાત વાગ્યાના અરસામાં મેળામાં ૮૦ હજારથી વધારે લોકો હતા, જે સતત વધતા જતા હતા. રાત્રે સાડા આઠે એ આક એક લાખે પહોંચ્યો હતો અને સાડા નવ વાગ્યે તો દોઢ લાખ લોકો મેળામાં મહાલી રહ્યા હતા.

લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, રમકડાંના ચાર સ્ટોલ વેપારીઓની માગણીને લીધે ફેરવી દેવાયા હતા. કારણ કે તેમાં પાણી ભરાતું હતું. રાત્રે કિસાનપરા ચોક, રેસકોર્સ ચોક, રૈયારોડ વગેરે વિસ્તારોમાં વાહનો અને લોકોનો ધસારો રહ્યો હતો. રાજકોટે આજે ભરપૂર મેળો માણ્યો હતો.

ચકડોળ,મોતના કૂવાની ચકાસણી કરાઇ -

મેળામાં જમીન પોચી થઇ જવાને લીધે ફજેત ફાળકા કે અન્ય રાઇડ્ઝ જોખમી તો નથી ને? તેની ચકાસણી આજે પી ડબલ્યુ ડીના સ્ટાફે કરી હતી. સલામતિના કારણે ગઇકાલે તો મોતના કૂવા બંધ કરાવાયા હતા જે પાણી ઉલેચાયા બાદ આજે સાંજે ફરી શરૂ કરી દેવાયા છે. જે રાઇડ્સ જોખમી હતી તે શરૂ થવા દેવાઇ નહોતી.ખાસ તો ઊંચા ચગડોળનું ફાઉન્ડેશન અને ઇલેક્ટ્રિક વાયરિંગની ચકાસણી વધારે ચોકસાઇથી કરવી તેવો આદેશ છે.

પાંચ કાર-પાંચ બાઇકની ઘરઘરાટી જોવા માટે બે માળ -

રાજકોટના પરંપરાગત લોકમેળામાં આ વર્ષે મોતના કૂવાની આઇટેમ આકર્ષક છે. એક સાથે પાંચ બાઇક અને પાંચ કાર આ એક કૂવામાં ફરી રહ્યા છે અને જીવ સટોસટનો આ ખેલ જોવા લોકો ઉમટે છે. મોતના કૂવામાં પહેલાં તો એક બાઇક જ ફરતું અને એ સ્ટંટમેન છુટ્ટા હાથે બાઇક ફેરવતો, ઘરરરરર ઘરરરર આપણે જ્યાં ઉભા હોઇએ ત્યાંથી બાઇક પસાર થાય અને ધ્રુજારી થાય.ત્યાર બાદ બે બાઇક અને બે મોટરકારની શરૂઆત થઇ પરંતુ આ વર્ષે તો તદ્દન નવી જ આઇટેમ પેશ થઇ રહી છે. મોતના કૂવામાં એક સાથે પાંચ બાઇક અને પાંચ મોટરકાર ફરે છે.અજબ ખેલ જોવા માટે લોકોનો ધસારો પણ થાય જ તે સમજીને તે જોવા બે માળ રખાયા છે.એક સાથે ઉપર નીચે સાતસો લોકો આ કરતબ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.ગઇકાલે તો પાણી ભરાવાને લીધે મોતના કૂવા બંધ હતા પરંતુ આજે ‘ફુલસ્પીડ’માં તે ચાલુ રહ્યા છે.

પ્રાઇવેટ મેળાઓમાં પણ મેદની, ટ્રાફિક જામ -

રાજકોટના લોકો જાણે વરસાદ ધીમો પડવાની રાહ જ જોતા હતા. આજે જેવો વરસાદ રહ્યો કે તરત જ પોતાના વાહનોમાં, રિક્ષા કે છકડામાં બહાર નીકળી પડ્યા હતા. સરકારી લોકમેળાની સાથે જ જે પ્રાઇવેટ મેળા છે ત્યાં પણ લોકો ફર્યા હતા. રેસકોર્સ મેદાન ઉપરાંત દોઢ સો ફૂટ રિંગરોડ પર યોજાયેલા ખાનગી અને વ્યવસ્થિત કહેવાતા મેળામાં ૩૦ હજારથી ૪૦ હજારની મેદની ઉમટી પડી હતી.જે લોકો રેસકોર્સ સુધી ન આવે તે ખાસ કરીને પશ્ચિમ રાજકોટના લોકો આ મેળામાં પહોંચ્યા હતા.કાલાવડ રોડ,યુનિ.રોડ તેમ જ મવડી ચોકડી અને ૧૫૦ ફૂટ રિંગરોડ પર તેને લીધે વાહનોની કતારો લાગી હતી.વરસાદી પાણી, કીચડ અને ખાડાઓને લીધે લોકોને થોડી મુશ્કેલી પડી હતી છતાં મેળામાં ફરવાની મજા માણી હતી. અલબત્ત રમકડા અને રાઇડની ખરી મજા તો લોકમેળામાં જ છે તે બન્ને મેળામાં જનારા લોકોએ કહ્યું હતું.

સવારના સમયે ગામડાંના લોકો ઊમટી પડ્યા -

આજે સાતમના સુકન સાચવવા રાજકોટવાસીઓ જાણે થનગનતા હોય તેમ બપોરે બે વાગ્યાની આસપાસથી મેળા તરફ જતા જોવા મળ્યાં હતા,બપોરે ચાર વાગ્યે તો છકડો,નાની રિક્ષા સિટીબસ બધું જ ભરચક્ક હતું.આસપાસના ગામથી લોકો છકડા કે ખુલ્લા મેટાડોરમાં બેસી ને પણ આવ્યા હતા.રેસકોર્સના મેદાનમાં મોટો માનવપ્રવાહ બપોર બાદ વહેતો જોવા મળ્યો હતો.મેળાના મેદાનમાં ગઇકાલે તો પાણીના તળાવ ભરાયાં હતા,તંત્રે સતત કપચી-માટી ઠલવીને મેદાન થોડું પગ મુકવાને લાયક બનાવ્યું હતું.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.