- રાજકોટ મનપા અને ફૂટબોલ એસો.ના સંયુક્ત ઉપક્રમે
- ટુનૉમેન્ટ દરમિયાન સંતોષ ટ્રોફી માટે રાજ્યની ટીમનું સિલેકશન થશે
રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસો.ના સંયુક્ત ઉપક્રમે સતત પાંચમાં વર્ષે ઓપન ગુજરાત રાત્રી પ્રકાશ ફૂટબોલ ટુનૉમેન્ટનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. ટુનૉમેન્ટમાં રાજકોટ સહિત બાર જિલ્લાની ટીમોએ ભાગ લીધો છે.
રેસકોર્સના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે તા. ૭ની સાંજે ૬.૩૦ એ શરૂ થનાર રાત્રિ પ્રકાશ ફૂટબોલ ટુનૉમેન્ટનાં પ્રથમ દિવસે પાંચ મેચ રમાશે. જ્યારે બાકીના દિવસોમાં ત્રણ-ત્રણ મેચ રમાશે. આ ટુનૉમેન્ટમાં દરમિયાન આગામી મહિને ગૌહાટી ખાતે રમાનાર સંતોષ ટ્રોફી માટે રાજ્યની ટીમનું સિલેકશન થશે. ગત વર્ષે આ ટુનૉમેન્ટમાં જામનગર ચેમ્પિયન બની હતી. જ્યારે રાજકોટની ટીમ રનર અપ રહી હતી.
મેદાનમાં ઝળહળતો પ્રકાશ પાડવા માટે છ ટાવરો ઊભા કરાયા છે. રાજ્યનું ગૌરવ અને ફીફાના નિવૃત્ત રેફરી ગુલાબસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય કક્ષાના ચાર રેફરીઓને પણ બોલાવાયા છે. ટુનૉમેન્ટને સફળ બનાવવા મનપાના સમાજ કલ્યાણ સહિતિના ચેરમેન પુષ્કરભાઇ પટેલ તેમજ ફૂટબોલ એસો.ના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા સહિતનાઓએ ભારે જહેમત ઊઠાવી છે.