ભાદર ડેમ ઓવરફલો થતાં જનહૈયા ઝૂમી ઊઠ્યા છે. આજે સાતમને દિવસે સવારથી જ હજારોની સંખ્યામાં લોકો ભાદર ડેમ ખાતે ઊમટવા લાગ્યા હતા. અને હૈયેહૈયું દળાઇ તેવી સ્થિતિ સર્જાણી હતી.
સાંજે છ વાગ્યે તો વિશાળ ડેમ સાઇટ અને આસપાસના લીલાછમ વિસ્તારોમાં પગ પણ મૂકવાની જગ્યા ન રહે એટલી ગીર્દી થઇ ગઇ હતી. હાઇવે પરથી ડેમ સાઇટ જવાના રસ્તે વાહનોની કતારો લાગી જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાણી હતી.
હાઇવેથી વાહનમાં ડેમ સુધી પહોંચતાં જ એક કલાક કરતાં વધારે સમય વિતી જાય એ હદે ચક્કાજામ થઇ ગયો હતો. હજારો સહેલાણીઓએ જો કે એ બધી તકલીફોને હડસેલીને દરિયા જેવા ભાદર ડેમને નિહાળવાની અને પ્રકૃતિના ખોળે મોજ કરવાનો આનંદ લૂંટ્યો હતો.