શહેરમાં રહસ્યમય હત્યાનો સિલસિલો શરૂ થયો હોય તેમ આજે હત્યાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. આશરે ૩૦ વર્ષના અજાણ્યા યુવાનની બોથડ પદાર્થથી હત્યા કરીનેતાલુકાના સરધાર નજીક પાણીના ખાબોચિયામાં ફેંકી દેવાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ ગઇ છે.
સરધારથી સૂકી સાજડિયાળી જવાના રસ્તે પાણીના ખાબોચિયામાં અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં પી.આઇ. ડીમરી, મદદનીશ રણજીતસિંહ, મોહનભાઇ ઘટના સ્થળે દોડી ગયા હતા. મરનાર યુવાને લાલ કલરનું ટી-શર્ટ અને કથ્થાઇ કલરનું પેન્ટ પહેરેલું છે. માથા, મોઢા અને છાતીમાં બોથડ પદાર્થથી ઇજા હોવાનાં નિશાન છે. ખિસ્સામાંથી R પપ૦ની રોકડ સિવાય તેની ઓળખ મળી શકે તેવી કોઇ ચીજ વસ્તુ નહીં મળતા વર્ણનના આધારે તેની ઓળખ મેળવવાના પ્રયાસ ચાલુ છે.
પી.એમ. રિપોર્ટમાં યુવાનની હત્યા થયાનું ખુલ્યું છે. હત્યા કોણે અને શા માટે કરી તે મરનારની ઓળખ મળ્યા પછી બહાર આવે તેમ હોવાથી તે દિશામાં તપાસ થઇ રહી છે. સ્થળ પરથી ટ્રેક્ટરના ટાયરના નિશાન મળી આવ્યા હોવાથી લાશ ટ્રેક્ટરમાં ફેંકી ગયા હોવાનું પોલીસનું અનુમાન છે.
રાજકોટ પોલીસ ચોપડે ત્રણ હત્યાનો ભેદ અકબંધ છે ત્યાં, ચોથી લાશ મળી -
પાંચ માસ પહેલાં યુનિવર્સિટીના કેમ્પસમાંથી ૯ વર્ષના ફેનિસ પટેલની ગળું ઘોંટીને હત્યા કર્યા બાદ સળગાવી દેવાયેલી લાશ મળી હતી. આ હત્યામાં તેના કાકી શંકાના દાયરામાં છે. એક માસ પહેલા જંકશન પ્લોટના નામચીન શિવા ભરવાડની તેના જ ઘરમાં છરીના અસંખ્ય ઘા ઝીંકીને કરાયેલી હત્યાનો ભેદ અકબંધ છે.
૧પ દિવસ પહેલાં નિલકંઠ પાર્કના યોગેશ પટેલ નામના યુવાનની ગળુ કાપીને હત્યા કરાયેલી લાશ તેની જ કારમાંથી મળી હતી તેનો ભેદ પણ ખૂલ્યો નથી. ત્યાં આજે અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી લાશ મળતા આ ખૂનનો ભેદ ઉકેલાશે કે વણ ઉકેલ ખૂન કેસની ફાઇલમાં વધુ એકનો ઉમેરો થશે? તેવી ચર્ચા થઇ રહી છે.
રૂ. પ૦૦ની નોટ નિકરની અંદરથી મળી -
મરનારના ખિસ્સામાંથી માત્ર પ૦ રૂપિયા નીકળ્યા હતા. જ્યારે પ૦૦ રૂપિયાની નોટ નિકરની અંદરથી મળી હતી.