- વ્રતની પૂનમ પણ શનિવારે જ ગણાશે
લગ્નગાળાની પૂણૉહુતિ આડે બે દિવસ રહ્યા છે. ૧૨ માર્ચ અને શનિવારે સાંજે ૪:૪૫ વાગ્યે હોળાષ્ટકનો આરંભ થતાં જ સગાઇ, લગ્ન, યજ્ઞોપવિત, વાસ્તુ, ઉદ્દઘાટન, ગૃહશાંતિ, શાંતિપિઠ સહિતના શુભકાર્યો પર પ્રતિબંધ આવી જશે. જ્યારે, જે કન્યાઓના લગ્ન થયા છે તેમના માટે ગુરુ અને શુક્ર તેડવા-મૂકવાની સામાજિક કૌટુંબિક પરંપરા નિભાવી શકાશે.
હોળાષ્ટકના પ્રારંભ સાથે જ શુભકાર્યો થઇ શકતા નથી. ૧૨ માર્ચ અને શનિવારે હોળાષ્ટકનો પ્રારંભ થશે. જ્યારે, તેની પૂણૉહુતિ ૧૯મીને શનિવારના રોજ રાત્રિના ૧૧:૪૧ કલાકે થશે તેમ રાજકોટ જયોતિવિgદ મંડળના મહામંત્રી લલિતભાઇ શાસ્ત્રીએ જણાવ્યું હતું. ૧૪નો ક્ષય હોય શુક્રવારે તેરસ છે. પૂર્ણિમા, વ્રતની પૂનમ પણ શનિવારે જ ગણાશે.
હોળાષ્ટકના સમયગાળા દરમિયાન દીકરી તેમજ પુત્રવધૂને હારડો દેવાની પરંપરા આજે પણ બહુ મોટા પ્રમાણમાં જળવાઇ રહી હોવાનું શાસ્ત્રી મહેશભાઇ શાંતિલાલ રાવલે જણાવ્યું હતું. ફાગણ અને ચૈત્ર માસમાં લગ્નનું પ્રમાણ ઓછું રહેશે હવે ફરી વૈશાખમાં ઢોલ-શરણાઇ ઢબુકશે.
હોળાષ્ટકમાં ક્યા કાર્યો કરી શકાય -
હોળાષ્ટકના સમયગાળામાં સત્યનારાયણની કથા, રાંદલના લોટા, સિમંત (ખોળો ભરવો) તેમજ મૃતક પાછળ શ્રાધ્ધવિધિ સહિતના કાર્યો થઇ શકે છે.