ડેમથી એક કિલોમીટર દૂર પાકિઁગ : ડેમ પર મિનિ લોકમેળા જેવો માહોલ
શહેરનો આજીડેમ મંગળવારે સાંજે ઓવરફલો થતાં રાજકોટવાસીઓ ખુશીના માર્યા ગાંડાતૂર બની ગયા હતા. આજે સાતમને દિવસે સવારથી જ ડેમ ઉપર જંગી માનવમેદની ઊમટી પડી હતી. સાંજ સુધીમાં ચાર લાખ જેટલા લોકોએ ડેમમાંથી છલકાતાં પાણીનો ભવ્ય નઝારો માણ્યો હતો.
આજી ડેમના સ્ત્રાવ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પડેલાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા અને પરિણામે આજી ડેમની સપાટી કૂદકેને ભૂસકે વધવા લાગી હતી. સોમવારે રાત્રે આજીની સપાટી ૨૮ ફૂટે પહોંચ્યા બાદ ડેમ ઓવરફલો થશે જ એ નિશ્વિત બની ગયું હતું અને અંતે મંગળવારે સાંજે સાત વાગ્યે ડેમના દરવાજામાંથી પહેલી છાલક છલકાઇ હતી. ડેમ ઓવરફલો થઇ ગયાના સમાચાર વાયુવેગે શહેરમાં ફેલાઇ જતાં રાજકોટવાસીઓ ઝૂમી ઊઠ્યા હતા.
આજે સાતમને દી’ સવારથી જ હરખઘેલા રાજકોટવાસીઓએ ડેમ ભણી દોટ મૂકી હતી. સવારે ૯-૦૦ વાગ્યે જ અંદાજે ૫૦ હજાર કરતાં વધારે લોકો ડેમ પર પહોંચી ગયા હતા. સવારથી શરૂ થયેલ લોકપ્રવાહ ઢળતી સાંજ સુધી ચાલુ રહ્યો હતો. એમાં પણ સાંજે પાંચ વાગ્યાના અરસામાં કેટલાયે દિવસો બાદ સૂર્યનારાયણના કિરણો ધરતી પર ઉતરતાં ઉઘાડ થયો હતો અને ‘આવા વરસાદમાં ક્યાં બહાર જવું?’ એવું માનીને ઘરમાં બેસી રહેલા લોકો પણ નીકળી પડતાં ડેમ પર હૈયે હૈયું દળાઇ એટલી ભીડ ઊમટી પડી હતી. દિવસ દરમિયાન લાખો લોકોએ ડેમના છલકાતાં જલધોધના ભવ્ય દ્રશ્યો નિહાળીને રાજકોટની જીવાદોરી સમાન આ જળાશયના વધામણાં કર્યા હતા.
છલકાતાં પાણીથી સર્જાયેલા ઝરણાંઓમાં છબછબિયાં કરવાની મોજ -
રાજકોટના રંગીલા લોકોએ ડેમ ઓવરફલો થવાની ઘટનાને મનભરીને માણી હતી. છલકાઇ રહેલા દરવાજાઓમાંથી ફંગોળાતા જલધોધ હેઠળ ભીંજાવાની અને ધૂબાકા મારવાની મોજ લોકોએ બિન્દાસ્તપણે માણી હતી. જે લોકોએ ધૂબાકા ન માર્યા તેમણે ધરતી સાથે અફળાતાં પાણીની ધૂમ્મસ જેવી ઠંડી ઠંડી વાછટોમાં સ્નાન કરવાનો લુત્ફ ઊઠાવ્યો હતો.
એક કિ.મી. દૂર સુધી પાર્કિંગ -
હજારો-લાખો રાજકોટવાસીઓ ડેમ પર પહોંચી જતાં ડેમ પાસે વાહનોના થપ્પા લાગી ગયા હતા. ટ્રાફિક પોલીસ તથા બંદોબસ્ત પરની અન્ય પોલીસને વ્યવસ્થા સાચવવામાં પરસેવો ઊતરી ગયો હતો. હજારો ગાડીઓ અને બાઇકો માટે ડેમના દરવાજા બહાર એક કિ.મી. સુધી પાર્કિંગની વ્યવસ્થા કરવી પડી હતી. પ્રવેશદ્વારમાં વાહનો માટે ‘નો એન્ટ્રી’ કરાઇ હતી. પ્રવેશદ્વારથી ડેમ સુધી પહોંચવાના રસ્તે ધક્કામૂક્કી થાય એ હદે માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો.
ડેમ સાઇટ ઉપર મિનિ લોકમેળો -
જન્માષ્ટમી ઉપર દર વર્ષે લાખો લોકો આજીડેમ ઉપર જતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને આ વર્ષે ત્યાં અનેક રાઇડ્સ લગાવવાની છુટ આપવામાં આવી છે. આજે લોકોએ ફજત-ફાળકા સહિતની રાઇડ્સ તથા ખાણીપીણીના સ્ટોલોનો ભરપૂર લાભ લઇ સાતમ ઉજવી હતી.