તિલક પ્લોટ, અટિકામાં રાત્રિના સમયે પોલીસ ત્રાટકી : ગુરુપ્રસાદ ચોકમાં પાડેલા જુગારના દરોડા સમયે શરાબની બોટલો પણ મળી
શહેરમાં જુગારની મોસમ પૂર બહારમાં ખીલી છે ત્યારે પોલીસે વધુ ત્રણ સ્થળે દરોડા પાડી ૩૨ પત્તાપ્રેમીઓને R ૧.૩૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
તિલક પ્લોટ-૨માં અનિલ રાણાભાઇ અઘેરા નામના શખ્સના મકાનમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે મધરાતે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમી રહેલા ૧૪ શખ્સોને R ૨૭, ૧૧૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. નવ મોબાઇલ અને બે બાઇક મળી કુલ R ૬પ, ૬૧૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. નાલ ઉઘરાવી ઘોડીપાસાનો જુગાર રમાડતો મકાન માલિક અનિલ પોલીસને હાથતાળી આપી નાસી છૂટયો હતો.
તેમજ, ગુરૂપ્રસાદ ચોક નજીક આવેલા રાજ્યોગી ટાવરમાં મનીષ નટવરલાલ કથરેચાના ફલેટમાં પોલીસે દરોડો પાડી મકાન માલિક સહિત ૧૨ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. જુગારના પટમાંથી મળી આવેલા R ૨૬, પ૯૦ની રોકડ ઉપરાંત બાર મોબાઇલ મળી કુલ R ૬૪,૨૯૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
જુગારના દરોડા સમયે ફલેટના માલિક મનીષ પાસેથી વિદેશી દારૂની ૧૧ બોટલ પણ મળી આવતા પોલીસે કબજે લઇ પ્રોહિબશિનનો અલગથી ગુનો નોંધ્યો હતો. જ્યારે ત્રીજો દરોડો અટિકા સાઉથમાં વેલડોર નામના કારખાના પાસે પાડ્યો હતો. જ્યાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા છ શખ્સોને R ૬૧પ૦ની રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.