મોદીના બેનર ઉતર્યા તો હવે રાહુલ ગાંધીનાં બેનરો મંજૂરી વગર લાગી ગયા
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના બેનરો ગેરકાયદે લગાવી દેવાનો વિવાદ હજી તો શેરીનું નાકું વળી રહ્યો છે ત્યાં જ રાજકોટમાં યુવક કોંગ્રેસે જાહેરસ્થળો પોતે ભરેલા કબજે ખરીદી લીધાં હોય તેવી રીતે ત્યાં પોતાના યુવા નેતા રાહુલ ગાંધીના ફોટાવાળા બેનરો લગાવી દીધા છે અને આ બેનર-હોર્ડિંગ એવી રીતે લગાવાયાં છે કે ટ્રાફિકને અડચણરૂપ થાય, બે વાહનો સામ સામે અથડાઇ પણ જાય.
રાજકોટમાં જાહેર સ્થળો, સર્કલો કે ચોક જાણે રાજકીય પક્ષોની પોતાની જાગીર હોય તે રીતે તેનો દુરુપયોગ થતો આવ્યો છે, પંદરમી ઓગસ્ટની ઉજવણીમાં મુખ્યમંત્રીની પ્રસિદ્ધિવાળા બેનરો અને હોડિ•ંગ્સ ઠેર ઠેર લગાવી દેવાયાં હતાં એ સમયે ભાજપ પર વ્યક્તિ પૂજા અને સત્તાનો દુરુપયોગ કર્યાનો આક્ષેપ કરનાર કોંગ્રેસે બે દિવસથી ભાજપનું જ અનુકરણ કર્યું છે.
કિસાનપરા ચોક, અન્ડરબ્રિજ, નવા બની રહેલા પુલની દીવાલો પર પ્રિય નેતા રાહુલ ગાંધીના ફોટાવાળા મહાકાય હોર્ડિંગ લગાવી દેવાયાં છે. આ બોર્ડ માટે કોર્પોરેશનની મંજૂરી જરૂરી છે જે લેવાઇ નથી, ૧૮૮૫માં સ્થપાયેલા આ પક્ષ માટે અત્યારે ‘એક માત્ર આધાર’ રાહુલને ગણાવાયા છે તે તો તેમનો આંતરિક મામલો છે પરંતુ પ્રજાની મિલકતોને આવી રીતે ચીતરી નાખવાની ઘટના નોંધનીય છે.
યુવા કોંગ્રેસ અને એન.એસ.યુ.આઇ.ના નેતાઓના ફોટા પણ આ બેનરો-બોર્ડોમાં છે. રાજકોટમાં સક્રિય કોંગ્રેસના વિવિધ જુથોને જો કે આ બોર્ડની જાણ છે કે નહીં પરંતુ આવાં ૧૦૦ જેટલા બોર્ડ મંજૂરી વગર લગાવાયાં છે.