આરોગ્ય કેન્દ્રમાં તબીબી સ્ટાફ ટકતો જ ન હોય ઘરે-ઘરે માંદગીના ખાટલા
જેતલસર પંચાયતના યુવા સભ્યનું ડેંગ્યૂથી મૃત્યુ નપિજતાં તેના શોકના માનમાં ગામ સ્વયંભૂ બંધ રહ્યું હતું. ગામમાં છેલ્લા કેટલાક સમયથી રોગચાળાએ માઝા મૂકી છે આમ છતાં આરોગ્ય કેન્દ્રમાં તબીબી સ્ટાફ ટકતો જ ન હોય ઘરે-ઘરે માંદગીના ખાટલા ખડકાયા છે.
જેતલસરમાં જ રહેતા અને પંચાયતના સભ્ય ભાવેશકુમાર મોહનભાઈ ભૂવાને સખ્ત તાવ આવતો હોય પ્રાથમિક સારવાર જેતપુર ખાતે કરાવી તેઓને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું બુધવારે સવારે મૃત્યુ નિપજ્યું હતું. તબીબોએ કરેલા નિદાનમાં ભાવેશભાઈ ભૂવાને ડેંગ્યૂ હોવાનું સ્પષ્ટ થયું હતું.
જેતલસરમાં અગાઉ પણ વૃજલાલ પ્રેમજીભાઈ ઠુંમર અને જેનિશ પરસોત્તમભાઈ ભૂવાને પણ ડેંગ્યૂએ સકંજામાં લીધા હતા પરંતુ આ બન્નેને સમયસરની સારવાર મળી જતાં તેઓ સ્વસ્થ થઈ ગયા હતા. જેતલસર ગામમાં ડેંગ્યૂએ પગપેસારો કર્યો હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. તેના પરિણામ સ્વરૂપ આશાસ્પદ યુવાનનો ભોગ લેવાયો છે.
જેતપુર તાલુકાના ૫૨ ગામડાંઓમાં સૌથી અધ્યતન આરોગ્ય કેન્દ્ર જેતલસરમાં બનાવવામાં આવ્યું છે. અને આજુબાજુના ગામના લોકો આ આરોગ્ય કેન્દ્રનો લાભ પણ લે છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી અહિંયા ફરજ બજાવતા સ્ટાફની અંદરોઅંદરની હુંસાતૂસીના કારણે વાતાવરણ બગડતી ગયું છે. મોટાભાગનો સ્ટાફ અપડાઉન કરતો હોય ગમે ત્યારે આરોગ્ય કેન્દ્રને તાળાં મારીને ભાગી છુટે છે. આ બાબતે અનેક વખત રજુઆતો પણ કરવામાં આવી છે. પરંતુ તેનું પરિણામ આવ્યું નથી.
એક યુવાનનો ભોગ લેવાયો છે અને હજુ પણ ગામમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા છે ત્યારે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જેતલસરના આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ક્વાર્ટરમાં જ તબીબો અને અન્ય સ્ટાફ રહે તેવી સવલત ઊભી કરવા માગ કરી છે.
પંચાયતના સભ્યનું ડેંગ્યૂથી મૃત્યુ નિપજતા અને તેનો મૃતદેહ બુધવારે બપોરે ગામમાં લવાતા વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી તેઓની સ્મશાનયાત્રામાં જોડાયા હતા.