આગળ વધવું હોય તેણે પાટીદારના વિકાસનો અભ્યાસ કરવો જોઇએ: મોદી
સિદસર ખાતે પાટીદારોને પાનો ચડાવતા મુખ્યમંત્રી: સમાજની એકતાને બિરદાવી
સિદસરમાં મા ઉમિયાના મંદિર પાસે શરૂ થયેલાં રજત જયંતી મહોત્સવમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના ગામે-ગામથી ઊમટી પડેલા પાટીદાર સમાજની જંગી જનમેદનીને સંબોધતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોઇપણ પ્રજાએ વિકસવું હોય તો તેમણે ગુજરાતના પાટીદારોના વિકાસનો અભ્યાસ કરવો જોઇએ. ઉમિયા મહોત્સવને તેમણે સામાજિક ઋણ ચૂકવવાના લગાવ તરીકે ઓળખાવી પાટીદારોના આયોજનને બિરદાવ્યું હતું અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
ઉમિયાધામ રજતજયંતી મહોત્સવનો દીપ પ્રાગટ્ય દ્વારા આરંભ કરાવ્યાબાદ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દુનિયા અનેક મહાનુભાવોને અંજલિ આપે છે પરંતુ ભારતમાં તો આઝાદીના ૬૪ વર્ષ પછી પણ કોઇ રાજકીય કોયડો સર્જાય કે, કંઇ પણ સમસ્યા હોય તો ૧૨૦ કરોડની જનતા એક અવાજે કહે છે કે, આજે સરદાર સાહેબ હોત તો? આવી આ ખમીરવંતી પ્રજા છે. પાટીદારોમાંથી ઘણું શિખવાનું છે. ૫૦ વર્ષના ટૂંકા ગાળામાં આજે તેઓની ગૌરવ શાળી સમાજશક્તિ ઊભી થઇ છે.
દીકરીઓને ગર્ભમાં જ મારવાનું પાપ બંધ કરો
મુખ્યમંત્રીએ તદ્દન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ઊંઝા તાલુકામાં ઉમિયા માતાનું મુખ્યમંદિર છે પરંતુ ત્યાં જ દીકરાઓની સરખામણીમાં જન્મથી દીકરીઓની સંખ્યા સૌથી ઓછી છે. આ કુદરતી કરામત નથી આપણે પાપના રસ્તે ચડી ગયા છીએ. પાટીદાર સમાજે આ ઉત્સવના પરિપાક રૂપે ભ્રૂણ હત્યાનું દૂષણ અટકાવવા સંકલ્પબધ્ધ થવાનું છે. તેમણે કહ્યું હતું કે, હું મુખ્યમંત્રી તરીકે નહીં આ સમાજના સંતાન તરીકે હાથ ફેલાવું છું કે, દીકરીઓને ગર્ભમાં મારવાનું બંધ કરો. અને કુપોષણથી પિડાતાં બાળકો કે, ગરીબ સગભૉને શક્ય તેટલી મદદ કરો.
ઉમિયા સ્વરૂપા દીકરીઓને જનમવા દો
મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે, હું શિક્ષણ મંત્રી બની ત્યારથી મેં જોયું છે કે, ગુજરાતમાં બાળકીનો જન્મદર ઘણો નીચો છે. હું પાટીદારની દીકરી છું અને દુ:ખ સાથે કહું છું કે, આ સમાજમાં પણ ભ્રૂણ હત્યા થાય છે. આપણે ઉમિયાની પૂજા કરીએ પરંતુ ઉમિયા માતાના સ્વરૂપ સમાજ દીકરીઓની ગર્ભમાં જ હત્યા કરી નાખીએ તે યોગ્ય નથી. આપણે સૌએ આ પાપ બંધ કરવું પડશે. દીકરીની અછત હોય તે સમાજ કેવો બની શકે તે ક્યારેય વિચાર્યું છે?
આ સમાજ કોઇની કૃપાથી ઊભો નથી થયો કાળી મજૂરી કરીને ઊભો થયેલો સમાજ છે. કોઇ પ્રજાએ વિકાસ અને પ્રગતિ કરવા હોય તો તેમણે પાટીદારોના વિકાસનો અભ્યાસ કરવો જોઇએ. યુનિવર્સિટીમાં પાટીદારની વિકાસ યાત્રા પર પીએચડી થવું જોઇએ. મહોત્સવમાં જે દાન આવી રહ્યું છે તે ધનશક્તિ પ્રદર્શન નથી પરંતુ સમાજનું ઋણ ચૂકવવાનો તેમાં ભાવ છે તેવું કહી તેમણે આયોજકોને બિરદાવ્યા હતા.