- ભાજપનાં કાર્યકરો દિવસભર તબિયત અંગે પૂછપરછ કરતાં નજરે પડ્યા હતા
- વિરાણીની હાલત હવે ભયમુક્ત
- સવારના સમયે આવેલા હુમલામાં સૌ પ્રથમ સ્થાનિક તબીબને ત્યાં લઇ જવાયા
- પ્રાથમિક સારવાર બાદ રાજકોટ રીફર કરાયા
સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય કાળુભાઇ વિરાણીને આજે સવારે હાર્ટએટેક આવી જતા સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલમાં તેમની તબિયત ચિંતામુકત હોવાનું જણાવાઇ રહ્યું છે. ભાજપના કાર્યકરો અને આગેવાનોએ આખો દિવસ તેમની તબિયત અંગે પુછપરછ કરતા નજરે પડતા હતા.
પાછલી ત્રણ ટર્મથી સાવરકુંડલા વિસ્તારમાંથી ચુંટાતા ભાજપના ધારાસભ્ય કાળુભાઇ વિરાણી આજે સવારે પોતાના નિવાસ સ્થાને નિત્યક્રમ પતાવી રહ્યાં હતા ત્યારે સાડા સાતેક વાગ્યાના સુમારે તેમને હાર્ટએટેક આવ્યો હતો. તેમને સારવાર માટે પ્રથમ સાવરકુંડલાના ડોક્ટર શનીશ્વરાને ત્યાં લઇ જવાયા હતા. અહી પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ રફિર કરાયા હતાં.
રાજકોટ રફિર કરતી વખતે તેમને રસ્તામાં અમરેલીમાં પણ સારવાર આપવામાં આવી હતી. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં બપોરબાદ તેમની હાલત ભયમુકત હોવાનું જણાવાયું હતું. બીજી તરફ જિલ્લાભરના ભાજપના આગેવાનો તથા કાર્યકરોએ તેમની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી ધારાસભ્યના પરિવાર સાથે સંપર્ક જાળવ્યો હતો. દરમિયાન મોડેથી તબીબી સુત્રોનો સંપર્ક કરતાં ધારાસભ્યની હાલત હવે સંપૂર્ણ ચિંતામુકત હોવાનું જણાવાયું છે.