મેયરના મત વિસ્તાર વોર્ડ નં. ૪માં રૈન બસેરા(ભિક્ષુક ગૃહ) બનાવવા સામે વારંવાર હસ્તક્ષેપ કરતા શાસકોએ અંતે મ્યુનિ. કમિશનર પાસે ધાયું કરાવવાનો જ પ્રયત્ન કર્યો છે. અગાઉ મંજૂરી લઇને જ સ્થળ નક્કી કરાયા હોવા છતાં આજે સ્ટેન્ડિંગ કમિટીએ રૈન બસેરાની દરખાસ્ત પરત મોકલી દીધી છે.ગરીબો માટે એક આશરો બનાવવાની દરખાસ્ત અંતે શાસકોએ પરત મોકલી દીધી છે.
મેયર જનકભાઇ કોટકના મત વિસ્તાર વોર્ડ નં. ૪માં અગાઉ રેલવે સ્ટેશનની સામે રૈન બસેરા બનાવવાનું નક્કી કરાયું હતું. એ સ્થળ મેયરની સહમતીથી જ નક્કી કરાયું હતું અને તેનો ઠરાવ પણ થઇ ગયો હોવા છતાં છેલ્લી ઘડીએ સ્થળ બદલવાની માથાકૂટ થઇ હતી. એ પછી અન્ય સ્થળેથી પણ આ જ રીતે સ્થળાંતર કરવું પડ્યું હતું. બાદમાં પોપટપરા નાલા પાસે લાલબહાદુર શાસ્ત્રીનગર સોસાયટી નજીક બનાવવાનું નિયત કરાયું હતું.
આ સ્થળ પણ શાસકોની સહમતીથી જ નક્કી કરાયા બાદ ત્યાં કામ શરૂ થયું એટલે ફરી રાજકીય પાંખ તરફથી ચંચુપાત કરવાનું શરૂ થયું. વારંવાર ચલકચલાણુની જેમ સ્થળ બદલી રૈન બસેરા આડે અવરોધ ઊભો કરનાર શાસકોએ અંતે પોતાનુ ધાયું જ કર્યું છે. આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લાલબહાદુર શાસ્ત્રીનગર સોસાયટી નજીક રૈન બસેરા બનાવવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ ચેરમેન ડૉ.જૈમન ઉપાધ્યાયે પરત ધકેલી દીધી હતી. કડકડતી ઠંડીના દિવસો જતા રહ્યા તેમ છતાં ગરીબો માટે આ સુવિધા ઊભી નથી થઇ તેનું કારણ આ કાવાદાવા છે.
ભાજપ અગ્રણીની જમીનને ‘અસર’ ન થાય તેથી રૈન બસેરા કેન્સલ!
જંકશન વિસ્તારના ભાજપના અગ્રણી અને બિલ્ડરનું હિત ધરાવતી જમીન આવેલી હોય રૈન બસેરાથી જમીનના ભાવ ગગડી ન જાય એ માટેનો આ આખો ખેલ છે. જાણકારોનું કહેવું એવું પણ છે કે, જે સ્થળે રૈન બસેરા બનાવવાનું નક્કી થયું છે એ જમીન ભરતી ભરણીમાં લેવા માટે ભાજપના બિલ્ડરની મુરાદ છે અને તે પૂરી કરવા માટે રૈન બસેરાનું ફરી સ્થળાંતર કરાયું છે.
૧૭ ડમ્પર ભરીને રેતી-કપચી-પથ્થર આવી ગયા હતા -
રૈન બસેરાના બાંધકામ માટે સ્થળ પર ૧૭ ડમ્પર ભરીને રેતી-કપચી અને પથ્થર સહિતની સામગ્રી આવી ગઇ હતી. પાયા પણ ખોદી નાખવામાં આવ્યા હતા. મજૂરી સહિતનું આ બધું કામ સ્થળ ફેર થવાના કારણે માથે પડે તેવી હાલત છે.પોપટપરા નાલા પાસે રૈન બસેરાનું બાંધકામ શરૂ કરી દેવાયું હતું. પાયા પણ ખોદી નાખવામાં આવ્યા હતા.