સોહરાબુદ્દીન કેસમાં રાજકોટના કમિશનર ગીથા જોહરીને ફરી વખત પૂછપરછ માટે સીબીઆઇએ સમન્સ પાઠવી ૧૦ ઓગસ્ટ સુધીમાં હાજર રહેવાની મુદ્દત આપી હતી. પરંતુ, ટ્રેનિંગ અને વિદેશ સફરના કારણે જોહરી હાજર રહી શક્યા ન હતા. દરમિયાન, પીઠના દુ:ખાવાના કારણે રજા પર ઉતરી ગયેલા જોહરીએ જણાવ્યું છે કે, તેમને સીબીઆઇ તરફથી બીજી મુદ્દતનું સમન્સ મળ્યું નથી. સમન્સ મળ્યા પછી જવાબ આપવા હાજર રહીશ.
ઓ. પી. માથુરે દોષનો ટોપલો ગીથા જોહરી ઉપર ઢોળી દેતા માથુર અને જોહરીને એક્સાથે પૂછપરછ માટે સમન્સ અપાયા હતા. જોહરી હવે શું નિવેદન આપશે? તેના પરથી હવે કોની કોની ધરપકડ થઇ શકે તે વિશે અટકળો શરૂ થઇ ગઇ હતી. જો કે, જોહરી હૈદરાબાદ ટ્રેનિંગમા ગયા હતા અને ત્યાંથી વિદેશ ગયા હતા. પરત આવ્યા બાદ રાજકોટમાં મુખ્ય મંત્રીના કાર્યક્રમમાં બંદોબસ્તની વ્યસ્તતાના કારણે તેમણે વધુ સમય માંગ્યો હતો.
બુધવાર ૧૮ તારીખ સુધીમાં જોહરી સીબીઆઇ સમક્ષ હાજર થશે તેવી ધારણા થઇ રહી હતી. દરમિયાન, તેઓ પીઠના દુ:ખાવાની સારવાર માટે રજા પર ઉતરી જતા તરેહ તરેહની અટકળો શરૂ થઇ છે. આજે તેમનો ટેલિફોનિક સંપર્ક કરાતા જોહરીએ પોતાને સીબીઆઇ તરફથી નવી મુદ્દતનું સમન્સ મળ્યાનો ઇન્કાર કર્યો હતો.
સીબીઆઇ તેમની અગાઉ પૂછપરછ કરી ચૂકી છે. જે સવાલ પૂછાયા હતા તેના જવાબ દઇ દીધા છે. સીબીઆઇને વિશેષ તપાસની જરૂર જણાઇ હશે. સમન્સ મળ્યે હાજશ રહીશ. તેમને તબીબે એક સપ્તાહ સુધી સંપૂર્ણ આરામની સલાહ આપી હોવાની તેમણે સીબીઆઇના અધિકારી કંડા સ્વામીને ટેલિફોનથી જાણ કર્યાનું જાણવા મળે છે.