શિક્ષક દિનના ઓનલાઇન પ્રવચનની જાણ છેલ્લી ઘડીએ, ફેસ્ટિવલ મૂડ હોય વિદ્યાર્થીઓ શાળાએ નહીં આવે એ નિશ્વિત, માત્ર શિક્ષકો ભાષણ સાંભળશે!
હાલ ફેસ્ટીવલ મૂડ ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓ પણ રજાની મજા માણવામાં પડ્યા છે. સોમવાર સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન જાહેર કરાયુ હતું પરંતુ તા. પમી શિક્ષક દિને રવિવાર આવતો હોય તેના આગલા દિવસે મુખ્યમંત્રી મોદીના ઓનલાઇન ભાષણનું આયોજન કરી કાલે શનિવારે શાળાઓ ચાલુ રાખવાનો ફતવો છેલ્લી ઘડીએ શાળા સંચાલકોને અપાતા સંચાલકો ઘાંઘાં થયા છે.
જો કે કાલે વિદ્યાર્થીઓ શાળાએ નહીં જ આવે એ નિશ્વિત વાત છે અને માત્રને માત્ર શિક્ષકોને જ ભાષણ સાંભળવાનું રહેશે એ પણ એટલી જ નક્કી વાત છે!
છેલ્લા બે વર્ષથી શિક્ષક દિનના રોજ ગુજરાત સરકારની બીઆઇએસએજી સેટેલાઇન ચેનલ પર તમામ શાળાઓમાં મુખ્યમંત્રીના ઓનલાઇન પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. પરમ દિવસે જ તા. પ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ છે. બીજીબાજુ ગત સોમવારથી શૈક્ષણિક સંસ્થાઓમાં એક સપ્તાહનું વેકેશન જાહેર કરાયેલું છે. ૧પમી ઓગસ્ટે રવિવારે પણ બાળકોને વાઇબ્રન્ટ ઉજવણીના ભપકામાં પરાણે સામેલ કરવા શાળાઓ ચાલુ રખાઇ હતી અને એ દિવસની રવિવારની રજાને આવતીકાલે શનિવારે રજા રાખી એકઝેસ્ટ કરી અઠવાડિયાનું મીની વેકેશન જાહેર કરાયેલું હતું.
એવામાં છેલ્લી ઘડીએ જિલ્લા શિક્ષણાધિકારી બગડાએ આવતીકાલે શનિવારની રજા રદ હોવાનો પરપિત્ર કાઢ્યો છે. પ સપ્ટેમ્બરે શિક્ષક દિન હોય મુખ્યમંત્રીના ઓનલાઇન ભાષણ માટે શાળા ચાલુ રાખવાનો આ ફતવો શાળા સંચાલકોને છેક ગણતરીની કલાકો પહેલા ખબર પડતા તેઓ પણ ઘાંઘા થયા છે. વિદ્યાર્થીઓને રજા રદ થવા અંગે એક જ દિવસમાં કઇ રીતે જાણ કરવી? એવી વિમાસણમાં મૂકાયા છે. જો કે બીજીબાજુ સ્થિતિ એ પણ થવાની છે કે, વિદ્યાર્થીઓમાં ફેસ્ટીવલ મૂડ હોય રદ થયેલી રજાના દિવસમાં કાલે નહીં જ આવે એ નિશ્વિત વાત છે.
ડીઇઓ બગડા, મેસેજ આપતા ભૂલી ગયા કે સંદેશો પ્રોપર ચેનલ મારફતે ન પહોંચ્યો?
રજા રદ થઇ હોવાનો સંદેશો છેલ્લી ઘડીએ મળ્યો હોવાનું મોટાભાગની શાળાના સંચાલકો પાસેથી જાણવા મળ્યું છે ત્યાંરે તેની સામે જિલ્લા શિક્ષણાધિકારી બગડાએ એવુ રટણ કર્યું હતુ કે, મે તો ૩૧ તારીને જ પરપિત્ર જારી કરી દીધો હતો! અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે, શિક્ષણાધિકારીઓ આ બચાવ છે કે પછી સંદેશો પ્રોપર ચેનલ મારફતે શાળા સંચાલકોને સમયસર ન પહોંચ્યો?