કેથોલિક ધર્મના રાજકોટ ધર્મપ્રાંતના નવા ધર્માધ્યક્ષ બિશપ જોસની અભિષેકવિધિ આગામી તા.૧૧ને શનિવારે સવારે દસ વાગ્યે સેંટ મેરી સ્કૂલના મેદાનમાં યોજાશે આ પ્રસંગે નિવૃત્ત થઇ રહેલાં ધર્માધ્યક્ષ બિશપ ગ્રેગરીનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે ધર્માધ્યક્ષની નિમણુંક રોમથી ખ્રિસ્તી ધર્મના વડા ધર્મગુરુ એટલે કે પોપ દ્વારા કરવામાં આવે છે.
રાજકોટ ધર્મપ્રાંતમાં સૌરાષ્ટ્ર અને કચ્છની તમામ કેથોલિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. એ સંસ્થાના વડાને ધમૉધ્યક્ષ કહેવામાં આવે છે. રાજકોટ ધર્મપ્રાંતની સ્થાપના ૨૫ ફેબ્રુઆરી-૧૯૭૭ના રોજ થઇ હતી. તેના પ્રથમ ધમૉધ્યક્ષ બીશપ જોન્સે સાડા ચાર વર્ષ સેવા બજાવ્યા બાદ તેમનું અવસાન થયું હતું.
રાજકોટ ધર્મપ્રાંતના ધમૉધ્યક્ષ તરીકે ફાધર ગ્રેગરીએ ૨૭ વર્ષ સુધી સેવાઓ આપ્યા બાદ તેમની નિવૃત્તિને પગલે બશિપ જોસની નવા ધમૉધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. ૧૧મી તારીખે તેમની અભિષેકવિધિ કરવામાં આવશે. ઓ વિધિમાં ૧૫ બિશપ ૨૦૦ ફાધર, ૪૦૦ સિસ્ટર્સ તથા ૩૦૦૦ ધર્મજનો ભાગ લેશે.
હાલમાં રાજકોટ ધર્મપ્રાંતમાં ૧૫૦ ફાધરો અને ૪૫૦ સિસ્ટર્સ સૌરાષ્ટ્ર-કચ્છમાં વિવિધ ક્ષેત્રોમાં સેવા આપી રહ્યા છે. નોંધનિય છે કે કેથોલિક સંસ્થાઓ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં શિક્ષણ, આરોગ્ય તથા ગરીબ અને પછાત વર્ગના આર્થિક-સામાજિક ઉત્થાન તેમજ કોમી એકતા માટે પ્રશંસનિય કામગીરી બજાવવામાં આવે છે.