- શનિવારે વ્હેલી સવારે આંગડિયા કર્મચારી લૂંટાયો
- આંખમાં મરચાની ભૂકી છાંટી લાખોની કિંમતનાં પાર્સલ ભરેલો થેલો ઝુંટવી લૂંટારૂઓ ફરાર
- ત્રણ લૂંટારૂ એક બાઇકમાં આવ્યા હતા
સૌરાષ્ટ્રનાં યાત્રાધામ એવા વેરાવળ શહેરમાં સતત બીજા દિવસે લૂંટનો બનાવ બનતા સનસનાટી મચી ગઇ છે. શુક્રવારે મહિલાની હત્યા કરી તેનાં ઘરમાં થયેલી લૂંટનાં બનાવનાં પોલીસને કોઇ સગડ મળ્યાં નથી ત્યાં આજે ફરી એક લૂંટનાં બનાવમાં કે.રતનલાલ આંગડીયા પેઢીનાં કર્મચારી રમેશ મુળજીભાઇ અને ભરત જવાનજીભાઇની અને રિક્ષા ચાલક મુનીર સીંધી પર મરચાની ભૂકી છાંટી લાખોની કિંમતનાં પાર્સલ ભરેલા થેલાની લૂંટ ચલાવી ત્રણ શખ્સ બાઇક પર નાસી છુટયા હતા.
બનાવની વિગત એવી છે કે, આંગડિયા પેઢીનાં બંન્ને કર્મચારી તેમના નિત્યક્રમ મુજબ રાજકોટથી એસ.ટી. બસમાં વેરાવળ પહોંચ્યા હતા. સવારે પોણા સાત વાગ્યે બસ સ્ટેન્ડથી રિક્ષામાં સટ્ટા બજારમાં આવેલી આંગડિયાની ઓફિસે જવા નિકળ્યાં હતા. આ સમયે રિક્ષા બેંક ચોકી પાસેથી પસાર થતા એક ત્રિપલ સવારી બાઇકે રિક્ષાને ઓવર ટેઇક કરી આંતરી હતી. ચાલક કંઇ સમજે તે પહેલા જ એક શખ્સે મરચાની ભૂકી ત્રણેય પર છાંટી ઘરેણા ભરેલો થેલો ઝુંટવી નાસી ગયા હતા.
પોલીસને બનાવની જાણ થતા શહેરભરમાં નાકાબંધી કરાવી હતી. પરંતુ લૂંટારૂઓ નાસી છુટવામાં સફળ રહ્યાં હતા. લૂંટારૂઓ કેટલો માલ લૂંટી ગયા છે તે આંકડો જાણવા પોલીસે તજવીજ હાથ ધરી છે. સતત બીજા દિવસે લૂંટનાં બનાવથી સનસનાટી મચી ગઇ છે.
બસ સ્ટેન્ડ તથા ટાવર ચોકનાં કેમેરા પોલીસે તપાસ્યા
શહેરનાં બસ સ્ટેન્ડ પાસે અને ટાવર ચોકમાં સીસી ટીવી કેમેરા લગાડયા હોવાથી પોલીસે તે કેમેરાનું રેકોર્ડિંગ તપાસી લૂંટારૂઓનાં સગડ મેળવવા કવાયત હાથ ધરી છે. (તસવીરઃ રમેશ ખખ્ખર, વેરાવળ)