- ધીરૂભાઇ અંબાણીનાં પત્ની કોકીલાબેને મ્યુઝીયમ લોકો માટે ખુલ્લુ મુક્યું
- ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય સભાનાં સાંસદ પરિમલભાઇ નથવાણી પણ હાજર રહ્યાં
રિલાયન્સ કંપનીનાં પ્રણેતા એવા ધીરૂભાઇ અંબાણીએ જયાં તેમનું બાળપણ વિતાવ્યું એ ચોરવાડ ગામમાં આવેલા તેમનાં ડેલામાં આજે તેમનાં ધર્મપત્ની કોકીલાબેન અને રિલાયન્સ ગ્રુપનાં પ્રેસીડેન્ટ તેમજ રાજ્ય સભાનાં સાંસદ પરિમલ નથવાણીએ ધીરૂભાઇ એચ. અંબાણી મેમોરીયલ હાઉસને લોકો માટે સવારે ૧૧ વાગ્યે ખુલ્લુ મુકયુ છે.
શુન્યમાંથી સર્જન કરી દેશનાં ટોચનાં ઉદ્યોગપતિ તરીકે નાંમના મેળવનાર ધીરૂભાઇએ કેવી રીતે સંઘર્ષ કરી રિલાયન્સ કંપનીની સ્થાપના કરી અને આજે તેનું સામ્રાજ્ય કેટલું છે તે અંગેની તસવીરી ઝલક તેમજ એક ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવી આ મ્યુઝીયમમાં રખાઇ છે.
એન્ટ્રી ફી માત્ર રૂપિયા 2 રખાઈ...
મ્યુઝીયમ અંગે કોકીલાબેને વિગતો આપતા કહ્યું હતુ કે, મ્યુઝીયમ જોવા માટે માત્ર રૂ.૨ પ્રવેશ ફી રાખવામાં આવી છે. મ્યુઝીયમનો સમય સવારે સાડા નવથી સાંજનાં પાંચ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. જ્યારે સોમવારે મ્યુઝીયમ બંધ રહેશે. ચોરવાડમાં આવતા પર્યટકો જ્યારે આ મ્યુઝીયમની મુલાકાતે આવે ત્યારે તેમને કોઇ મુશ્કેલીઓ ન પડે તે માટે તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાઇ છે.
મ્યુઝિયમ બે વિભાગમાં વહેચ્યું છે
ધીરૂભાઇ અંબાણી મેમોરીયલ હાઉસને બે વિભાગમાં વહેંચાયું છે. એક વિભાગમાં ધીરૂભાઇનાં સંઘર્ષ તેમજ તેમની વ્યવસાયિક તસવીરો, બીજા વિભાગમાં ધીરૂભાઇનાં પરિવારજનો અને કૌટુંબિક તસવીરો મુકવામાં આવી છે.
તસવીરો- મિલાપ અગ્રાવત