- વેરાવળમાં વણિક મહિલાની હત્યા કરી ૧.ર૮ લાખની લૂંટ
- એક બહેનને બાથરૂમમાં પૂરી બીજી બહેનને ઓઢેલી શાલથી ગળાટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી બે શખ્સો નાસી જતાં સનસની
વેરાવળનાં ભાલકા વિસ્તારમાં છેવાડે આવેલી હરભોલે સોસાયટીમાં ગત રાત્રિનાં બે અજાણ્યા શખ્સોએ એક ઘરમાં ઘુસી આવી છરીની અણીએ એક બહેનને બાથરૂમમાં પુરી બીજી બહેનને ઓઢેલી શાલથી જ ગળા ટુંપો દઇ મોતને ઘાટ ઉતારી સોના-ચાંદીનાં દાગીના અને રોકડ સહિત રૂ.૧.ર૮ લાખની લૂંટ ચલાવીને નાસી છુટતાં આ બનાવથી સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઇ છે.
આ બનાવની મળતી વિગત મુજબ વેરાવળનાં ભાલકા વિસ્તારમાં છેવાડે આવેલી હરભોલે સોસાયટીમાં રાધાકૃષ્ણ મંદિર સામે જ રાધાકૃષ્ણ નામના મકાનમાં વણિક જ્ઞાતિની ચંદ્રીકાબેન ચુનીલાલ કઢી(ઉ.વ.૬૭) અને અરૂણાબેન ચુનીલાલ કઢી(ઉ.વ.૬પ) નામની બે સગી બહેનો રહે છે.મધ્ય રાત્રિનાં એકથી બે વાગ્યાની આસપાસ વીસેક વર્ષની વય ધરાવતાં અજાણ્યા શખ્સો તેમનાં મકાનની દિવાલ ઉપર ચડી અગાશીમાંથી ખુલ્લા રૂમમાં આવ્યા બાદ રસોડાનાં બારણામાં બાકોરૂં પાડી અંદરથી બંધ સ્ટોપર ખોલી ઘરમાં પ્રવેશ કરતાં આ ખડખડાટથી શેટી પર નિંદ્રાધીન અરૂણાબેન જાગી જતાં આ શખ્સોએ તેની સાથે ઝપાઝપી કરી છરી બતાવી મુંઢ માર મારી અરૂણાબેનને બાથરૂમમાં પુરી દીધા હતા. અને બાદમાં ચંદ્રીકાબેનનું ઓઢલી શાલથી ગળું દબાવી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
ત્યારબાદ રૂમમાંથી કબાટની ચાવી શોધી કબાટમાં રહેલી રૂ.૬ હજારની રોકડ અને વીંટી, ચેઇન, ચાંદીનો મુગટ, તુલશીમાળા સહિતનાં દાગીના મળી કુલ રૂ.૧.ર૮ લાખની માલમતાની લૂંટ ચલાવી પલાયન બની ગયા હતા. દરમિયાન આ વિસ્તારમાં મંદિર નજીક આજે સવારે સાતેક વાગ્યાનાં સુમારે એક કોળી યુવાન ચારો નાખવા આવતા અને બાથરૂમમાં પુરાયેલા અરૂણાબહેનની ચીસોનાં અવાજ સાંભળતાં ઘરમાં દોડી જઇ અરૂણાબહેનને બહાર કાઢયા હતા. આ યુવાને ભાલપરાનાં સરપંચને વાકેફ કરતાં સરપંચે પ્ર.પાટણ પોલીસને સવારે આઠ વાગ્યે ફોનથી જાણ કરતાં પીઆઇ આર.કે.તેરૈયા, ડી સ્ટાફનાં દેવાભાઇ પીઠીયા, વિજયભાઇ આહીર, કેતનભાઇ સહિતનાં સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. આ બનાવનાં પગલે ડીવાયએસપી આર.બી.શર્મા પણ પહોંચી જઇ શહેરમાં ચારેતરફ નાકાબંધી કરી આરોપીઓને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
એલસીબી, ડોગ સ્કવોર્ડ અને એફએસએલની પણ મદદ લેવાય છે. આ બનાવથી આસપાસમાં રહેતા રહીશોનાં ટોળેટોળા ઘટના સ્થળે એકત્ર થઇ ગયા હતા. પોલીસે રહીશોનાં નિવેદનો નોંધી અરૂણાબેનની ફરિયાદ લઇ બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ખુન તથા લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વેરાવળની હોસ્પિટલમાં ચંદ્રીકાબેનનું પીએમ ડૉ.કણસાગરા અને ડૉ.શર્માએ કર્યું હતું અને ગળે ટુંપો દેવાથી મોત થયાનું પ્રાથમિક રિપોર્ટમાં જણાયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
બંને અપરિણીત બહેનો નિવૃત શિક્ષિકા અને ગર્ભશ્રીમંત -
મૃતક ચંદ્રીકાબેન અને અરૂણાબેન ગર્લ્સ હાઇસ્કૂલની નિવૃત શિક્ષિકા અને અપરિણીત હોવાનું જાણવા મળે છે. આ સગી બહેનોનાં પિતા, એક માત્ર ભાઇ અને બહેનનાં અવસાન પછી મિલ્કતોની વારસદાર છે. કહેવાય છે કે, વારસામાં મોટા પ્રમાણમાં જમીનનાં પ્લોટો હતા.
પિતાની સ્મૃતિમાં રાધાકૃષ્ણનું મંદિર બનાવ્યું છે -
]
પિતા ચુનીલાલ ત્રિભોવન શાહ(કઢી)ની સ્મૃતિમાં ઘરની સામેજ માલિકીનાં પ્લોટમાં રાધાકૃષ્ણનું મંદિર બનાવ્યું છે. બંને બહેનો અપરિણીત રહી નિવૃતી જીવન ગાળતા હતા.
જાણભેદુઓ હોવાની પોલીસને આશંકા -
બાથરૂમમાં પુરાયેલા અરૂણાબેન આખી રાત મદદ માટે બુમો પાડતા રહ્યા હોવા છતાં કોઇ પણ મદદે આવ્યા ન હતા ? અને સવારે કોળી યુવાન તેમની મદદે આવ્યો હતો. આ વિસ્તારમાં પાકો રસ્તો ન હોય અને રાત્રિનાં અંધારાનો લાભ લઇ કોઇ જાણભેદુઓએ આ કૃત્ય આચયું હોવાની આશંકા સાથે પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી શકમંદોની પુછપરછ આદરી છે.