- પૂર્વ ડિસ્ટ્રિબ્યૂટરનો છરી વડે હુમલો
- હુમલો શા માટે કર્યો તે અંગેની સત્ય વિગતો બહાર લાવવા કવાયત શરૂ કરી દીધી
- જયસુખભાઈ પટેલને ગળા અને ગાલ પર છરીના બે ઘા લાગતા ઢળી પડ્યા
- જસલોક હોસ્પિટલમાં અપાઈ રહેલી સારવાર
દેશભરમાં જાણીતી મોરબીની અજંતા કલોક કંપનીના માલિક પર મુંબઈમાં છરી વડે હિચકારો હુમલો થયાની ઘટનાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવી દીધી છે. અજંતા કંપનીના ડિરેક્ટર શુક્રવારની સાંજે એક્ઝિબિશનનો કાર્યક્રમ પૂરો કરી મુંબઈ એરપોર્ટ પર જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે કંપનીના જ પૂર્વ ડિસ્ટ્રિબ્યૂટરે રૂપિયાની લેવડદેવડના મામલે ઉશ્કેરાઈ જઈ જયસુખભાઈ પટેલ પર છરીના બે ઘા ઝીંકી દીધા હતા.
ગંભીર રીતે ઘવાયેલા અજંતા કંપનીના ડાયરેકટરને મુંબઈની જસલોક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સ્થિતિ ભયમુકત હોવાનું મેડિકલ સૂત્રોએ જણાવ્યું હતું.
રાજકોટ-મોરબી હાઈવે પર આવેલી અજંતા કલોક કંપનીના યુવા ડિરેક્ટર જયસુખભાઈ પટેલ તેમના કૌટુંબિક ભાઈઓ સમય ગ્રૂપના પ્રેમલભાઈ અને રમેશભાઈ સાથે મુંબઈમાં સિરામિક સંદર્ભે યોજાયેલા એક્ઝિબિશનમાં હાજરી આપવા માટે ગયા હતા. શુક્રવારે સાંજે મુંબઈના વર્લી ખાતે રાખવામાં આવેલું એક્ઝિબિશન સંપન્ન થયા બાદ જયસુખભાઈ પટેલ એરપોર્ટ જવા માટે નીકળ્યા હતા.
શુક્રવારે સાંજના લગભગ ૫-૩૦થી ૬-૦૦ વાગ્યાના અરસામાં અજંતા કંપનીનો જ પૂર્વ ડિસ્ટ્રિબ્યૂટર સંજય માથુરિયા જ્યાં એક્ઝિબિશન રખાયું હતું તે નહેરુ સેન્ટર ખાતે આવ્યો હતો અને જયસુખભાઈ પટેલ સાથે રૂપિયાની લેવડદેવડ બાબતે માથાકૂટ કરી હતી. મામલો ઉગ્ર બની જતાં ઉશ્કેરાયેલા સંજય માથુરિયાએ પોતાની પાસે રહેલું છરી જેવું તિક્ષ્ણ હથિયાર કાઢીને જયસુખભાઈ પટેલના ગળા અને ગાલ પર બે ઘા ઝીંકી દીધા હતા.
મુંબઈના વર્લી વિસ્તારમાં આવેલા નહેરુ સેન્ટર જેવા ભરચક્ક વિસ્તારમાં સમી સાંજના હુમલાની ઘટના બનતા રાહદારીઓએ સંજય માથુરિયાને ઝડપી લીધો હતો અને જયસુખભાઈ પટેલને જસલોક હોસ્પિટલ ખાતે ખસેડવાની વ્યવસ્થા કરી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જયસુખભાઈને ગળા અને ગાલ પર ૧૫થી વધુ ટાંકા આવ્યા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે. પોલીસે સંજય માથુરિયાની ધરપકડ કરી તેણે હુમલો શા માટે કર્યો તે અંગેની સત્ય વિગતો બહાર લાવવા કવાયત શરૂ કરી દીધી છે.
કડવા પટેલ પરિવાર ચિંતાતૂર -
અજંતા કંપનીના ડિરેક્ટર જયસુખભાઈ પટેલ પર મુંબઈમાં હુમલો થયાની જાણ થતાં જ સમગ્ર કડવા પટેલ સમાજમાં આ ઘટના અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી અને જયસુખભાઈની સાથે જ રહેલા સમય ગ્રૂપના પ્રેમલભાઈ તેમજ રમેશભાઈના મોબાઈલ ફોન પર સંપર્ક કરવાની સૌ કોઈએ કોશિશ કરી હતી. જો કે એક સાથે સંખ્યાબંધ ફોનનો મારો થતાં પ્રેમલભાઈ અને રમેશભાઈ ફોન સતત વ્યસ્ત આવતા હતા.
મોરબીના ઉદ્યોગપતિઓએ હુમલાને વખોડ્યો -
મોરબી ચેમ્બર ઓફ કોમર્સ તેમજ સિરામિક ઉદ્યોગ સહિતના ધંધાર્થીઓએ મુંબઈના વર્લી વિસ્તારમાં જયસુખભાઈ પટેલ પર થયેલા હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો અને જયસુખભાઈ પટેલની તબિયત સંદર્ભે અગ્રણી ઉદ્યોગપતિઓએ ફોન પર પ્úચ્છા પણ કરી હતી. અજંતા કંપનીના માલિક પર હુમલો થયાની વાત મોરબી શહેરમાં વાયુવેગે પ્રસરી ગઈ હતી. અને, લોકો એક બીજાને જયસુખભાઈની તબિયત સંદર્ભે પૃચ્છા કરતા નજરે ચડ્યા હતા.