અમિત જેઠવાની ઠંડે કલેજે કરાયેલી હત્યા બાદ કોડીનારના કોંગ્રેસના ધારાસભ્ય ધીરસિંહભાઇ બારડે તેમની પોતાની તથા તેમના ભત્રીજા પિન્ટુની પણ હત્યાનો કારસો રચાયાની દહેશત વ્યક્ત કરી, મુખ્યમંત્રી મોદી સમક્ષ પોલીસ રક્ષણની માગણી કરતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
ધીરસિંહભાઇએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યા મુજબ મે માસમાં એક આનામી પત્ર મળ્યો હતો જેમાં તેમના ભત્રીજા પિન્ટુ ઉર્ફે રણજીતસિંહ ભૂપતભાઇ બારડની હત્યા માટે એક મોટા રાજકીય માથાએ રૂ.૫૦ લાખની સોપારી આપી હોવાની વિગત દર્શાવવામાં આવી હતી. એ અંગે ધીરસિંહભાઇએ ગત તા.૨૧-૦૫-૧૦ના રોજ જુનાગઢના ડી.આઇ.જી. સહિતનાઓનું પત્ર લખીને ધ્યાન દોર્યું હતું.
ત્યારબાદ વેરાવળના ડી.વાય.એસ.પી.એ ધીરસિંહભાઇ તથા તેમના ભત્રીજાનું નિવેદન લીધું હતું. પરંતુ રક્ષણ આપવા માટે કોઇપણ કાર્યવાહી કરવામાં નહોંતી આવી. દરમિયાનમાં અમિત જેઠવાની હત્યા માટે કોડીનાર વિસ્તારના એક મોટા ઉદ્યોગગૃહમાં કાવતરું ઘડાયું હોવાની ચર્ચાનો હવાલો આપી ધીરસિંહભાઇએ જણાવ્યું હતું કે એ અંગેની મિટિંગમાં ટોચના રાજકીય માણસો અને ઔદ્યોગિક કંપનીના અધિકારીઓ સામેલ હતા.
ધીરસિંહભાઇએ ઉમેર્યું છે કે એ ઉદ્યોગગૃહ દ્વારા થતી ખનિજ અને માટીની ચોરી પ્રદૂષણને કારણે ખેતી અને પીવાના પાણીના તોને થતું નુકસાન સરકારી અને ગૌચરની જમીનમાંથી થતી ખનિજ ચોરી તથા ગેરકાયદે ઓવરલોડિંગ વાહનો અંગે હું ધારાસભ્ય તરીકે વારંવાર રજુઆત કરતો આવ્યો છું. પરિણામે એ કંપની પૈસા આપીને રાજકીય માણસો સાથે મળીને મારી તથા મારા ભત્રીજાની હત્યા કરશે તેવી દહેશત છે. એ સંજોગોમાં ધીરસિંહભાઇએ રક્ષણની માંગણી કરતાં ભારે ચકચાર જાગી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોડીનાર ધારાસભાની બેઠક છેલ્લા ઘણા વર્ષોથી ભાજપના એટલે કે દીનુભાઈ સોલંકીના કબજામાં હતી. દીનુભાઈ સાંસદ બન્યા બાદ એ બેઠકની પેટા ચૂંટણીમાં વિજય મેળવીને ધીરસિંહભાઈ બારડે ભાજપના એ જુના અને મજબૂત ગઢના કાંગરા ખેરવી નાખ્યા હતા. ધારાસભ્ય બન્યા બાદ ધીરસિંહભાઈ એ વિસ્તારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સતત રજુઆતો સાથે લડત ચલાવી રહ્યા છે.