Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Rajkot City
 

પાણશિણામાં ત્રણ કલાકમાં ૮ ઇંચ

 
Source: Bhaskar News, Rajkot   |   Last Updated 3:30 AM [IST](10/09/2010)
 
 
 
 
 

સૌરાષ્ટ્રના આકાશ પર મેઘરાજા જાણે મેરેથોન દોડમાં ભાગ લઇને સતત દોડી રહ્યા હોય તેમ અવિરત મેઘસવારી ચાલુ રાખી છે. આખો શ્રાવણ માસ વરસ્યા બાદ ભાદરવા મહિનામાં પણ મેઘકૃપા ચાલુ જ રાખી છે. ગુરુવારના દિવસે લીંબડી પંથક પર મેઘરાજાએ ડેરાતંબુ તાણ્યા હોય તેમ પાણશિણા અને આસપાસના વિસ્તારોમાં માત્ર ત્રણ કલાકમાં આઠ ઇંચ વરસાદ વરસાવી દીધો હતો.


આ ઉપરાંત જામનગર જિલ્લાના ખંભાળિયામાં પણ વધુ પાંચ ઇંચ વરસાદ પડતા સદી આડે હવે માત્ર પાંચ ઇંચનું જ છેટું રહી ગયું છે. રાજકોટમાં વધુ સવા ઇંચ વરસાદ પડી જતાં ૩૦ વર્ષનો રેકોર્ડ તૂટવાની અણી પર છે. સૌરાષ્ટ્રમાં અન્ય વિસ્તારોમાં પણ ઝાપટાંથી માંડીને પાંચ ઇંચ સુધીનો વરસાદ થયો હોવાના અહેવાલ મળે છે.


લીંબડી તાલુકાના પાણશિણા ગામ પર જાણે આભ ફાટ્યું હોય તેમ ગુરુવારના બપોરના ૧૨ થી ૩ વાગ્યા સુધીમાં આઠ ઇંચ વરસાદ પડી જતાં ચારોતરફ પાણી-પાણી થઇ ગયું હતું. વરસાદી પાણી ગામની બજારોમાં નદીના વહેણની માફક ચાલવા લાગ્યું હતું. નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતા. સાંબેલાધારે ખાબકેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ જતાં હજારો એકર જમીનમાં ઊભેલો પાક પાણીમાં ગરકાવ થઇ જતાં ખેડૂતો ચિંતાતૂર થઇ ઊઠ્યા હતા.


ભાવનગર શહેર-જિલ્લામાં શ્રાવણની અંતિમ રાત અને આજથી ભાદરવાના આરંભે છેલ્લા ૨૪ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચોતરફ અષાઢી મેઘમાહોલ જામી ગયો છે અને વાદળો મન મૂકીને એકધારા વરસી જતાં પંથકમાં ટાઢોડું થઈ ગયું છે. આજે ભાવનગર શહેરમાં ગઈકાલ રાતથી ધીમી ધારે વરસાદ વરસવો શરૂ થયો હતો અને આખી રાત શરૂ રહ્યાં બાદ સવાર સુધીમાં તો ચોતરફ વર્ષાનો માહોલ જામી ગયો હતો.


બાદમાં સવારથી બપોર સુધીમાં ૬૪ મીમી અને બીજા બે કલાકમાં


વધુ ૨૮ મીમી વરસાદ વરસી જતાં કુલ ૯૨ મીમી વરસાદ વરસી ગયો હતો. આજે ભારે વરસાદથી ભાવનગર શહેરમાં જનજીવન સવારથી બપોર સુધી લગભગ ઠપ્પ થઈ ગયું હતું. ભાવનગર શહેરમાં આજે સવારથી ભારે વરસાદને લીધે મોટા ભાગની શિક્ષણ સંસ્થાઓમાં રજા રાખી દેવામાં આવી હતી. કેટલીક સ્કૂલ રિક્ષાઓ તો છેક શાળાએ પહોંચ્યા બાદ પરત ફરી હતી. આજે રજા પડતા ત્રણ દિવસની રજા ચાર દિવસના મિનિ વેકેશનમાં બદલાઈ જતાં બાળકોને મજા પડી ગઈ હતી.


સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાએ લાંબા સમયથી મુકામ કર્યો છે. ત્યારે સતત વરસાદને લીધે ખેડૂતો હવે વરસાદ બંધ રહે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. જિલ્લામાં ગુરુવારે વહેલી સવારથી જ મેઘાડંબર છવાતા સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા, લીંબડી અને પાટડીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ધ્રાંગધ્રા, લખતર, સુરેન્દ્રનગર, ચોટીલામાં એક ઇંચથી બે ઇંચ વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે.


સુરેન્દ્રનગર શહેરમાં આખો દિવસ વરસાદી માહોલ છવાતા બજારો સૂમસામ ભાસતી હતી. જિલ્લાભરમાં ભારે વરસાદને લીધે સર્વત્ર ઠંડક પ્રસરી ગઇ હતી. સાયલા તાલુકામાં બે ઇંચ વરસાદ પડતા તળાવોમાં નવા પાણી આવ્યા હતા.જામનગર જિલ્લામાં પણ મેઘસવારી અવિરત ચાલુ રહી છે.


ખંભાળિયામાં ચાર ઇંચ વરસાદ પડી જતાં મોસમનો કુલ ૯૫ ઇંચ થયો છે. જ્યારે લાલપુરમાં પણ વધુ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કાલાવડમાં સવા, જામજોધપુરમાં પોણો, ભાણવડમાં એક અને કલ્યાણપુરમાં અડધો ઇંચ પાણી પડી ગયું હતું. જામનગર સહિતના અન્ય વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા. પોરબંદર પંથકમાં માત્ર પાંચ મીમી સુધીનો વરસાદ રાણાવાવ, કુતિયાણા અને ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો હતો.


રાજકોટ જિલ્લામાં સૌથી વધુ જસદણ પંથકમાં બે ઇંચ વરસાદ થયો હતો. કોટડાસાંગાણીમાં પોણા બે ઇંચ જ્યારે ગોંડલ અને લોધિકા પંથકમાં દોઢ-દોઢ ઇંચ પાણી પડી ગયું હતું. રાજકોટ શહેરમાં સવા ઇંચ નોંધાયો હતો. ધોરાજી ઉપલેટા સહિતના વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં ત્રણથી ચૌદ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. અમરેલી શહેરમાં પોણા બે ઇંચ, જ્યારે બાબરા, લાઠી અને લીલિયામાં એક-એક ઇંચ પાણી પડી ગયું હતું. સાવરકુંડલા અને ધારીમાં અડધો ઇંચ નોંધાયો હતો.


ઝાંપોદડમાં મકાન ધરાશાયી થતા નિદ્રાધીન પ્રૌઢનું મોત


વંથલી તાલુકાનાં ઝાંપોદડ ગામમાં રહેતા મનસુખભાઈ સવદાસ ભાઈ ડેડાણીયા (ઉ.વ.૫૫)નામના પટેલ આઘેડ ગતરાત્રીના પોતાના ઘરમાં ઉંઘી રહ્યાં હતા અને તેના પત્ની બહાર સુતા હતા. એ દરમ્યાન ગત મોડી રાત્રીના સતત વરસતા વરસાદનાં કારણે તેનું કાચુ મકાન ધરાશાયી થતા તેઓ તેના કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા.


ધડાકા સાથે મકાન પડવાનો અવાજ આવતા બહાર ઉંઘી રહેલા મનસુખભાઈના પત્ની તથા પાડોશીઓ જાગી ગયા હતા અને કાટમાળ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને મનસુખભાઈને કાટમાળમાંથી બહાર કાઢી વંથલી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.


આ અંગે પોલીસને જાણ થતા તેને પી.એમ.માં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક પ્રૌઢ ગામમાં દુકાન ધરાવતા હતા અને તેના બે પુત્રો રાજકોટ હોવાનું જાણવા મળ્યું છે. સતત વરસતા વરસાદનાં કારણે મકાન ધરાશાયી થવાથી પટેલ પ્રૌઢનું પ્રાણ પંખેરૂ ઉઠી જતા નાના એવા ગામમાં ગમગીની વ્યાપી ગઈ હતી.


ભાવનગરમાં વરસાદથી પાંચ મકાનો તૂટી પડ્યાં


શહેરમાં અવિરત વરસી રહેલા વરસાદથી જૂનવાણી જર્જરિત થયેલા મકાનો ધરાશાયી થયા હતા. વોરાબઝારમાં ટી.સી.ના ડેલીમાં કંચનબેન ભુરાલાલ ગાંધીની માલિકીના ત્રણ માળની મકાનની દીવાલ ધસી પડતા આ મકાનમાં ભાડુઆત બહાર હોયને કોઈને જાનહાનિ થવા પામી નથી.


જ્યારે વડવા તલાવડીમાં કુંભાર જ્ઞાતિની વાડી સામે વાજા લક્ષ્મણના ડેલામાં એક મકાનની દીવાલ તૂટી પડી હતી, ભગાતળાવના લાલગર બાવાના મઢ પાસે ગાંધી ઈલેક્ટ્રિક સ્ટોર્સ સામે ત્રણ મકાનોની દિવાલ તૂટી પડતા લોકોના ટોળેટોળાં દોડી ગયા હતા. તેમજ રૂવાપરી રોડ ઉપર મફતનગરમાં રહેતા ગૌસ્વામી બાબુગીરી ગિરીશગીરીનું મકાન તૂટી પડતા તૂટી પડતા તમામ પરિવારજનો હેમખેમ બચી જવા પામ્યા હતા.


સાયલામાં ગગનભેદી અવાજથી ફફડાટ


સાયલામાં એક તરફ વરસાદની ઝડી બોલતી હતી. ત્યારે બીજી બાજુ અચાનક રહસ્યમય સંજોગોમાં ભયંકર અવાજ થવા લાગ્યો હતો. પ્રથમ તો લોકોએ એવુ વિચાયું કે વીજળી પડી હશે. પરંતુ સતત ૩ મિનિટથી પણ વધારે સમય માટે અવાજ ચાલુ રહેતા લોકો ભયભીત થઇ ઉઠયા હતા.


ગગનભેદી અવાજને કારણે સાયલાના કેટલાક ઘરોમાં વાસણો પણ પડી ગયા હતા. ધરતીકંપ આવ્યાના ભયથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સાયલા તાલુકામાં કોઇ પણ જગ્યાએ વીજળી પડી નથી. ત્યારે આ અવાજ ક્યાથી આવ્યો તે અંગે રહસ્ય સર્જાયું હતું. આ બાબતે મામલતદારે જણાવ્યું કે અવાજ ક્યાથી આવ્યો તે જાણવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.