અરબી સમુદ્રમાં હવાનું દબાણ વધતા દરિયો તોફાની બન્યો છે. જેના કારણે દરિયામાં માછીમારી કરતી બહારની ૬૦ થી વધુ બોટ વેરાવળ બંદર પર લાંગરવામાં આવી છે. જ્યારે મુળ દ્વારકા બંદરે ૧૪ જેટલી બોટ લાંગરવામાં આવી છે. વેરાવળ બંદરે ૩૭૫ તથા મૂળ દ્વારકા બંદર પર ૬૦ જેટલા ખલાસીઓ ફસાયા છે.
વેરાવળ પાટણ પંથકમાં સતત ત્રણ દિવસથી મેઘરાજાએ વરસવાનું ચાલુ રહેતા સર્વત્ર સુમસામ ભાસી રહ્યું છે. અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા દરિયો તોફાની બન્યો છે. દરિયામાં તોફાનનાં કારણે ફશિીંગ કરી રહેલી બોટ દરિયાકાંઠે આવવા લાગી છે. જાણવા મળતી વિગત મુજબ મુંબઈ તરફની ૫૦ થી ૬૦ બોટ ઉપરાંત પોરબંદર તથા માંગરોળ પંથકની ૧૩ જેટલી બોટને વેરાવળ બંદર પર લાંગરવામાં આવી છે.
તેના ૩૭૫ થી વધુ ખલાસીઓ વેરાવળ બંદર પર ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત વલસાડ તરફની ૧૪ બોટ અને તેના ૬૦ જેટલા ખલાસીઓએ મૂળ દ્વારકા બંદરે બોટ લાંગરી હોવાનું જાણવા મળ્યું છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા આવતા ચોવીસ કલાકમાં દરિયો વધુ તોફાની બનવાની તથા ૫૦ થી ૫૫ કિમી સુધીની ઝડપે પવન ફુકાવાની આગાહી કરવામાં આવી છે.
સતત ત્રણ દિવસથી વરસતા વરસાદ અને દરિયામાં સર્જાયેલા હળવા દબાણના કારણે માછીમારોની કફોડી હાલત ઉભી થઈ છે. હવે તો મેઘરાજા ખમૈયા કરે અને દરિયાદેવ પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરે એવી માછીમારો પ્રાર્થના કરી રહ્યાં છે.