લોકમેળામાં મહાપાલિકાએ સફાઇ અને આરોગ્ય સહિતની ટુકડીઓને રાઉન્ડ ધી કલોક કાર્યરત રાખી છે. આમ તો વરસાદી માહોલની અસર મેળા પર વર્તાઇ રહી છે એમ છતાં આ ચાર દિવસમાં મેળાના મેદાનમાંથી ૧૭પ ટનથી વધુ કચરો નીકળ્યો છે. રોજ રાત્રે સફાઇ કામદારો સવાર સુધી મેદાનમાં કચરો ઉસેટવામાં કામે લાગે છે.
મહાપાલિકાએ ત્રણ શિફ્ટમાં ૧૯૦થી વધુ સફાઇ કામદારોને મેળામાં સફાઇની ફરજ માટે રોક્યા છે. સેનેટરી મંડળીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે. અને સફાઇ કામગીરી ઉપર પર્યાવરણ ઇજનેર નિલેષ પરમાર નજર રાખી રાખ્યા છે. આમ તો વરસાદના કારણે મેળામાં દર વર્ષે હોય એવી ભીડ જામતી નથી. વરસાદ ચાલુ હોય ત્યારે મેળા ખાલીખમ્મ હોય છે. વરસાદનો વિરામ હોય ત્યારે લોકો ઉમટી રહ્યા છે. છઠ્ઠાના દિવસે તો મેળામાં જુજ સંખ્યા જ હતી.
સાતમ ઉપર આખો દિવસ વરસાદ રહ્યો પણ રાત્રે વિરામ લેતાની સાથે જ લોકો ઉમટી પડ્યા હતા અને સાતમ ઉપર ૪પ ટનથી વધુ કચરો નીકળ્યો હતો. ગઇકાલે આઠમ ઉપર આખો દિવસ મેળામાં રસ રહ્યો હતો અને આ એ દિવસે ૬૦ ટન કચરો કાઢવામાં આવ્યો હતો. આજે શુક્રવારે સાંજ પછી મેળામાં ચિક્કાર ભીડ હતી.
આજે પણ મેદાનમાંથી પ૦ ટન જેટલો કચરો એકત્ર થઇ ચુકયો છે. દરમિયાન સ્ટોલ પાસે કચરો કરતા હોય એવા લોકો પાસેથી કુલ R ૩૭૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.