સૌરાષ્ટ્રમાં બે દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી જમાવટ કરી છે. કુતિયાણા પંથકના ગામડાંઓમાં માત્ર બે કલાકમાં ૧૦ ઈંચ વરસાદ વરસી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં ઝાપટાંથી માંડીને સાડા છ ઈંચ સુધીનો વરસાદ થયો હોવાના અહેવાલ મળે છે. રાજકોટ શહેરમાં અઢી ઈંચ વરસાદે ફરી પાણી પાણી કરી દીધું હતું. એક માત્ર ઝાલાવાડ પંથકમાં મેઘરાજાએ ખમૈયા કર્યા હતા.
પોરબંદર જિલ્લાના કુતિયાણા પાસે આવેલા ખાગેશ્રી અને દેવડા પંથકમાં શુક્રવારની સાંજે પાંચ વાગ્યે ઘટાટોપ વાદળો ચડી આવ્યા હતા અને સાંજે સાત વાગ્યા સુધીમાં ૧૦ ઈંચ વરસાદ પડી જતાં જળબંબાકાર થઈ ગયો હતો. પોરબંદર શહેરમાં એક ઈંચ જ્યારે કુતિયાણામાં માત્ર ઝાપટાં પડ્યા હતા. રાણાવાવમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
હાલારમાં ખંભાળિયા પંથકમાં ફરી ચાર ઈંચ વરસાદથી લોકો પરેશાન થઈ ગયા હતા. આ ઉપરાંત કલ્યાણપુર વિસ્તારમાં સાડા ત્રણ ઈંચથી વધુ પાણી પડી ગયું હતું. જ્યારે જામનગર શહેર, ભાણવડ અને લાલપુર પંથકમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જામજોધપુર અને દ્વારકા વિસ્તારમાં અડધો ઈંચ સુધીનો વરસાદ પડ્યો હતો.
રાજકોટ જિલ્લાના છ તાલુકા વિસ્તારમાં શુક્રવારે ફરી મેઘરાજા પધાર્યા હતા. સૌથી વધુ રાજકોટ શહેરમાં ૬૧ મી.મી. પાણી પડી ગયું હતું. આથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપલેટા અને આસપાસના વિસ્તારોમાં દોઢ ઈંચથી વધુ વરસાદ થયો હતો. ટંકારા અને લોધિકા પંથકમાં એક ઈંચ વરસાદ થયો હોવાના અહેવાલ મળે છે. ગોંડલ અને કોટડાસાંગાણીમાં ઝાપટાં પડ્યા હતા.ઉપલેટા પંથકમાં પણ બેથી ચાર ઈંચ જેટલો વરસાદ થયો હતો.મોજ ડેમના ચાર પાટિયા ત્રણ-ત્રણ ફૂટ ખોલી નખાયા હતા.
જુનાગઢથી મળતા અહેવાલ મુજબ વેરાવળ અને કોડીનારમાં એક-એક ઈંચ વરસાદ થયો હતો. જ્યારે ઊના, સૂત્રાપાડા અને જુનાગઢ શહેરમાં અડધો ઈંચ પાણી પડ્યું હતું. જ્યારે ભેંસાણ, માળિયાહાટીના, વિસાવદર, વંથલી,માંગરોળ અને કેશોદમાં ઝાપટાં પડ્યા હતા. ઊના નજીક આવેલા જામવાડા ગામમાં સાડા છ ઈંચ જ્યારે ગીરગઢડા અને જુડવડલી ગામમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. ખીલાવડ ગામમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો.
અમરેલી જિલ્લામાં બગસરા, બાબરા અને વડિયામાં મોડીસાંજ સુધી ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. ધારીના દલખાણિયામાં સાંજે ૭થી ૮ એક કલાક દરમિયાન અઢી ઈંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે ગોહિલવાડમાં ગઢડા પંથકમાં અડધો ઈંચ, જ્યારે મહુવા અને વલ્લભીપુરમાં ઝાપટાં પડ્યા હતા.
રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યાં: બે ટ્રેન રોકી દેવાઈ -
ગીરના જંગલ વિસ્તારમાં માત્ર બે કલાકમાં જ ચાર ઈંચ વરસાદ પડતાં પ્રાંચી રોડથી હડમતિયા સુધીના રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં વેરાવળથી દેલવાડા જતી ટ્રેનને તાલાલા સ્ટેશન રોકી દેવાઈ હતી. જ્યારે કોડીનારથી વેરાવળ તરફ જતી ટ્રેનને પ્રાંચી રોડ સ્ટેશને થંભાવી દેવાઈ હતી. અમરેલી તરફનો ટ્રેન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. જ્યારે પ૦ મુસાફરોને મહાજનવાડીમાં આશરો અપાયો હતો.