- ‘ગુરૂજી’એ મેળવેલા હુકમ રેકર્ડ સાથે સુસંગત ન હોઈ કારણદર્શક નોટીસ ફટકારતા શૈક્ષણિક આલમમાં ફફડાટ
ઊના તાલુકામાં વિવિધ શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં આઠ શિક્ષકોએ ગેરરીતિથી નોકરી મેળવ્યાનું બહાર આવતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ તમામને શા માટે નોકરીમાંથી કાયમ માટે બરતરફ ન કરવા અંગેની કારણદર્શક નોટીસ ફટકારતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર જાગી છે.
તાજેતરમાં જ બોગસ શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ ઊના પંથકમાં આઠ શિક્ષકોને તા.૧૪ ફેબ્રુઆરીનાં રોજ આધાર-પુરાવા સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ રૂબરૂ બોલાવતાં શિક્ષકોમાં ગભરાટ ફેલાયો છે. જે અંગે મળતી માહિતી મુજબ જુનાગઢ સહિત અન્ય જિલ્લાઓમાં એસ.ટી. કેટેગરીનાં ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહ્યાં ન હતા.
તેમજ અરજી પણ કરી ન હોય તેમજ ૪૬૯ જગ્યા માટે બનેલા બેકલોગ પ્રાયોરીટી રજીસ્ટરમાં પણ આ શિક્ષકોનાં નામનો મેરીટ મુજબ સમાવેશ થયો નથી. ઉપરાંત શિક્ષકોએ મેળવેલા નિમણૂંક હૂકમની નોંધ જિલ્લા શિક્ષણ વિભાગનાં રેકર્ડ પર નથી. જેથી આ તમામ શિક્ષકોએ ગેરરીતિ આચરી નોકરી મેળવી લીધી હોય તેમને શા માટે કાયમ માટે બરતરફ ન કરવાની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કારણદર્શક નોટીસ ફટકારતા શિક્ષકોમાં ગભરાટ ફેલાયો છે. તા.૨૧-૧-૧૯૯૦ અન્વયે અનુસૂચિત જનજાતિની બાકી ખેંચાતી બેકલોગની જગ્યાઓની ભરતી માટે ખાસ છુટછાટ આપી અનુસૂચિત જનજાતિનાં બિનતાલિમી એસ.એસ.સી. પાસ ઉમેદવારોની ભરતી કરવા સુચના આપવામાં આવી હતી.
જેના સંદર્ભે આ આઠેય શિક્ષકોએ ગેરરીતિ આચરી નોકરી મેળવી લીધી હોવાની અને જે-તે સમયે તેમણે મેળવેલો હુકમ કચેરીનાં રેકર્ડ સાથે સુસંગત ન થતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આકરૂં પગલું ઉઠાવતા સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ઉહાપોહ મચ્યો છે.
અત્રે ઉલ્લેખનીય એ છે કે, આ અગાઉ પણ બોગસ શિક્ષક કાંડમાં ઊના મોખરે રહ્યું હતું અને તાજેતરમાં પણ હુકમ રેકર્ડ સાથે સુ સંગત ન હોવાથી કારણ દર્શક નોટીસ ફટકાર્યાનું પણ આ પંથકમાં બહાર આવ્યું છે.
બિનતાલીમ શિક્ષકોની નામાવલી -
પટેલ દિપક અમુભાઇ – રામેશ્વર
ડામોર શીવાભાઇ ચંપાભાઇ – મોઠા
ડામોર રમિલાબેન નારણભાઇ - ઊના-૧
ગરાસીયા દિપકભાઇ જેસીંગભાઇ – એલમપુર
એડ કાળીબેન ગણાભાઇ – સીમાસી
પારગી વરસીંગભાઇ ચુનીભાઇ – કાકેડીમૌલી
કટારા શાંતિલાલ ગીરજીભાઇ – જુનાઉગલા
ખાંટ હિંમતભાઇ માનાભાઇ - શાડેસર
આ શિક્ષકોની ભરતી કઇ રીતે થઇ ?
આ શિક્ષકો ઇન્ટરવ્યૂમાં ગયેલ નથી. સરકારનાં ચોપડે ક્યાંય નોંધ નથી તો પછી ભરતી કોણે કરી તેવા સવાલ પણ ઉઠવા પામ્યા છે.
જજે પાસ બિનતાલીમી શિક્ષક અને તે પણ આચાર્ય -
એક તો અનટ્રેઇન શિક્ષક અને એસ.એસ.સી. પાસ એવા પટેલ દપિકભાઇ અમુભાઇ સામતેર પે સેન્ટર શાળા નીચે આવતી રામેશ્વર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. જ્યારે આચાર્ય કરતા આ શાળામાં અન્ય શિક્ષકો વધુ ભણેલ ફરજ બજાવે છે.
અનટ્રેઇન શિક્ષક એટલે શું ?
પી.ટી.સી. થયેલ ન હોય અને એસ.એસ.સી. પાસ થયેલ શિક્ષકોને અનટ્રેઇન શિક્ષક કહેવાય અને સરકારે આવા શિક્ષકોને પીટીસી કરવા વેકેશનનાં સમયગાળામાં સરકારી ખર્ચે તક આપેલ જેમાં ઘણા શિક્ષકોએ પીટીસી પાસ કર્યું અને ઘણા ખરા બાકી રહી ગયા.