પી.જી. ક્ષેત્રે ત્રણ નવા કોર્સ શરૂ થશે અને ૧૦ કરોડના ખર્ચે મોડયુલર ઓ.ટી.ના નિર્માણ માટે ઉજળા સંજોગો : ટીમે મુલાકાત પૂર્ણ કરી
ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં આગામી દિવસોમાં R ૫૦ કરોડની ગ્રાન્ટ મળે તેવા ઉજળા સંજોગોનું નિર્માણ થયું છે અને આ ગ્રાન્ટ મળ્યા બાદ આ કોલેજમાં નવા ત્રણ પી.જી. મેડિકલ કોર્સ શરૂ થશે ઉપરાંત R ૧૦ કરોડના ખર્ચે મોડયુલર ઓ.ટી.નું નિર્માણ થશે. આમ, તબીબી શિક્ષણ ક્ષેત્રે ભાવનગરની સરકારી મેડિકલ કોલેજનો સીતારો ઝગમગશે કારણ કે આ ગ્રાન્ટ માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર પશ્ચિમ ભારતમાં એકમાત્ર ભાવનગરની સરકારી મેડિકલ કોલેજને મળવાની છે.
આજે ભાવનગરની સરકારી મેડિકલ કોલેજનું આ ગ્રાન્ટની મંજુરી માટે સ્થળ પર કેન્દ્ર સરકાર રચિત બે સભ્યોની ટીમે નિરીક્ષણ કર્યુંહતું. આ અંગે માહિતી આપતા ભાવ. મેડિકલ કોલેજના ડિન ડૉ. બી.ડી. પરમારે જણાવ્યું હતું કે, આજથી સવા વર્ષ પહેલાં મેં નવી દિલ્હી જઈ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની મેડિકલ કોલેજોને વધુ મજબૂત બનાવવાની યોજના હેઠળ ભાવનગરની આ કોલેજને ફાળવવા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કર્યું હતું.
આ સંપૂર્ણ પ્રેઝન્ટેશન કરનારી ભાવનગર મેડિકલ કોલેજ એકમાત્ર હતી. જેનો લાભ હવે મળ્યો છે. ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં અંદાજે R ૫૦ કરોડની ગ્રાન્ટ મળતા જ પી.જી. ક્ષેત્રે ત્રણ નવા કોર્સ શરૂ થશે. જેમાં એમ.ડી. ઈન ઈમરજન્સી મેડિસીન, એમ.ડી.ઈન ફેમિલી મેડિસીન અને અમે.ડી. ઈન ઈમ્યુનો હિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફયુઝનનો સમાવેશ થશે.
આ ઉપરાંત અંદાજે રૂ.૧૦ કરોડના ખર્ચે મોડયુલર ઓપરેશન થિયેટરનું નિર્માણ થશે જેમાં કોઈ ઈન્ફેકશન ન લાગે તેવી સુવિધા હશે. ભાવનગરની સરકારી મેડિકલ કોલેજને વધુ મજબૂત-સુવિધાસભર બનાવવાથી સમગ્ર ગુજરાતના તબીબી શિક્ષણક્ષેત્રે ભાવનગર હૂકમનો એક્કો બનવા અગ્રેસર થઈ જશે. આજે કેન્દ્રની ટીમમાં નવી દિલ્હીનાં ડૉ. નિરજ એન. માથુર અને ડૉ.મુક્તાકુમારી આવ્યા હતાં અને સમગ્ર કોલેજનું નિરીક્ષણ કરી કોલેજની માંગણી અને જરૂરિયાત તેમજ મંજુરી વચ્ચેનો કોઈ ખાડો તો નથીને તે અંગે ચેકિંગ કર્યું હતું. હવે બે દિવસમાં આ ટીમ પોતાનો રિપોર્ટ રજુ કરશે.