- તા. ૧૯ ફેબ્રુઆરીથી ત્રણ દિવસ માટે અભિયાનનો આરંભ થશે
સુરેન્દ્રનગર જિલ્લામાં બાળકોને પોલીયાના મહારોગ સામે સુરક્ષાનું કવચ આપવા માટેના મહાઅભિયાનનો તા. ૧૯ ફેબ્રુઆરીથી આરંભ થશે. ત્રણ દિવસ ચાલનારા આ અભિયાનનો બીજો તબક્કો એપ્રિલમાં યોજાશે. બંને તબક્કામાં કુલ મળી ૨,૬૩,૯૪૭ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનો જિલ્લા આરોગ્યને લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે જિલ્લાનું આરોગ્યતંત્ર કામે લાગી ગયુ છે.
ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સહિતના સુરેન્દ્રનગર જિલ્લાના પડોશી જિલ્લાઓમાં ચાર વર્ષ પહેલા પોલીયોના કેસ નોંધાયા હતાં. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ૧૨ વર્ષથી પોલીયાનો એકપણ કેસ નોંધાયો નથી. તેમ છતાં પલ્સ પોલીયો મહાઅભિયાન અંતર્ગત જિલ્લામાં તા. ૧૯ ફેબ્રુઆરીથી ત્રણ દિવસ માટે બાળકોને પોલીયોના ટીપ પીવડાવવાના અભિયાનનો આરંભ થશે. ત્યારબાદ બીજો તબક્કો તા. ૧ એપ્રિલથી ત્રણ દિવસ સુધી ચાલશે. જિલ્લામાં જુદા જુદા બે તબક્કાના છ દિવસ માટે ચાલનાર અભિયાનમાં કુલ ૨,૬૩,૯૪૭ બાળકોને પોલીયોના ટીપ પીવડાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.
આ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે ગાંધીનગરથી ખાસ આવેલા ડૉ. નૈનાવતીએ આરોગ્ય ખાતાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શોભાવત, ડૉ.દેવ, ડૉ.વિષ્ણુ પટેલ સહિતનાં આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ૨,૬૩,૯૪૭ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા માટેનો લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૯૭૨ બૂથ બનાવવામાં આવશે.
ઉપરાંત ૧૮૦ બૂથ રેલવે સ્ટેશન, ૪૮ બૂથ બસ સ્ટેશનમાં અલગથી બનાવવામાં આવશે. જેમાં ખાસ કરીને રણમાં અગરીયાના બાળકો માટે ૩૦ મોબાઇલવાન ખાસ દોડાવવામાં આવશે. કામગીરી પૂર્ણ કરવા માટે કુલ ૪૦૮૪ કર્મચારીઓ જોડાશે. આટલી મોટી સંખ્યામાં બાળકોને પોલીયોના ટીપ પીવડાવવા માટે ૧૫૮૩૬ પોલીયોના વાયરલનો ઉપયોગ કરવામાં આવશે.