પોરબંદર જીલ્લામાં છેલ્લા પાંચ-સાત દિવસથી અવિરત વરસાદનેે પગલે જન્માષ્ટમીના તહેવારની ઉજવણી ફીકી લાગતી હતી પરંતુ આજે વરાપ નિકળતા અને માત્ર ઝાપટા રૂપે અડધો ઇંચ વરસાદ પડતા જન્માષ્ટમીના તહેવારમાં ઉત્સાહનો સંચાર થયો હતો. પોરબંદરમાં મેઘરાજાએ આજે વિરામ લીધો હતો જ્યારે રાણાવાવ અને કુતિયાણામાં અડધો ઇંચ વરસાદ ઝાપટા રૂપે પડયો હતો. જ્યારે બરડામાં ધીમીધારે બે ઇંચ વરસાદ પડયો હતો.
મેઘરાજાએ ગઇ કાલે પોરબંદરજીલ્લામાં અનરાધાર વરસીને ૮ ઇંચ જેવુ પાણી ઠાલવી દેતા સમગ્ર પંથક પાણીથી તરબોળ બની ગયો હતો. જેના કારણે પોરબંદરમાં જન્માષ્ટમીના મેળાનું આયોજન ચકડોળે ચડ્યું હતું. જો કે મેઘરાજા એ લોકોને મેળો માણવાની પરમીશન આપી દીધી હોય તેમ આજે સવારથી જ વરાપ નિકળતા માનવ મહેરામણ મેળો માણવા ઉમટી પડ્યું હતું. તો રાણાવાવ તાલુકામાં આજ સવારથી વરસાદી માહોલ વચ્ચે માત્ર ઝાપટા રૂપે ૮ મી.મી. વરસાદ પડયો હતો.
કુતિયાણા તાલુકામાં છેલ્લા ૪ દિવસથી અવિરત મેઘકૃપાને કારણે ૧૬ ઇંચ વરસાદ પડ્યા બાદ આજે વરાપ વચ્ચે અડધો ઇંચ જેવો વરસાદ પડતા શહેરીજનોએ રાહતનો દમ લીધો હતો. પોરબંદર જીલ્લામાં બીજા જ રાઉન્ડમાં ગત વર્ષ જેટલો વરસાદ પડી જતા વાડી ખેતરો પાણીથી તરબોળ બની ગયા છે જેના કારણે જમીનમાં રેચ ફુટી નિકળતા મગફળીના પાક ઉપર જોખમ તોળાઇ રહ્યું છે. ર૦ દિવસ સુધી વરાપ નિકળે તો મગફળીના પાકનું ચિત્ર ઉજળુ બની રહેશે. બરડામાં આજે પણ મેઘરાજાએ બે ઇંચ પાણી ઠાલવી દીધુ હતું.
પોરબંદર - દ્વારકાનો રસ્તો પૂર્વરત થયો -
પોરબંદર જીલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે પોરબંદર-દ્વારકા, પોરબંદર-સોમનાથ અને પોરબંદર-ખંભાળીયા રસ્તો બંધ થઇ ગયો હતો. આજે સવારથી પોરબંદર અને દ્વારકા વચ્ચેનો રસ્તો પુર્વરત થયો હતો. જ્યારે પોરબંદર-ખંભાળીયા અને પોરબંદર-સોમનાથનો રસ્તો મોડી સાંજ સુધી પણ બંધ રહ્યો હોવાનું જાણવા મળે છે.