મહેસાણા હાઈવે પર પાલાવાસણા ચોકડી સ્થિત દેવર્ષિ બંગ્લોઝમાં રહેતા એક યુવાને મંગળવારે રાત્રે પોતાના બેડરૂમમાં જ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.
મૂળ યુપીના અને હાલમાં મહેસાણા હાઈવે પર પાલાવાસણા ચોકડી નજીક જનપથ હોટલ પાછળ આવેલા દેવર્ષિ બંગ્લોઝમાં રહેતા ગીલ અિસ્મતસીંગ લખવીંદરસીંગ (૨૪) ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરતા હતા. મંગળવારે રાત્રે જમીને પોતાના ભાઈઓ સાથે રૂમમાં બેસીને વાતો કર્યા બાદ સાડા આઠેક વાગ્યે પ્રથમ માળે આવેલા તેના બેડરૂમમાં સૂવા ગયો હતો. સાડા નવેક વાગ્યે તેમના ભાઈને પણ સૂવાનો સમય થતાં તે ઉપર ગયા ત્યારે બેડરૂમનો દરવાજો બંધ હોઈ ખખડાવ્યો હતો. લાંબો સમય દરવાજો ખખડાવવા છતાં કોઈ અવાજ ન આવતાં તેમણે બારીમાંથી અંદર જોતાં અિસ્મતસીંગ પંખા સાથે કપડું બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જણાતાં દરવાજો તોડી નીચે ઉતારી તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જયાં ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કરતાં પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી.
આ બાબતે તાલુકા પોલીસને જાણ કરાતાં એએસઆઈ શામળભાઈએ મૃતકની લાશનું પીએમ કરાવ્યા બાદ પરિવારજનોનાં નિવેદન લઈ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.