રૂ. ૧૪૦ કરોડના બાકી આંકડા જોઇ ખૂદ મુખ્યમંત્રી પણ ચોંકી ઉઠ્યા હતા પરંતુ તંત્ર સાચી વાત ગળે ઉતારવામાં અસક્ષમ રહ્યું
ભાવનગર. ૧૧ ફેબ્રુઆરી
ભાવનગર મહાનગરપાલિકામાં અધધધ... ૧૪૦ કરોડની રકમના વેરા બાકી હોવાના આંકડા જોઇ રાજ્ય સરકારની પણ આંખો ફાટી ગઇ છે. પરંતુ તે પૈકી રૂ.૧૭ કરોડના ખાતા તો ડુપ્લીકેશન હોવાનું ઘરવેરા વિભાગે શોધ્યું છે.
ભાવનગર કોર્પોરેશનમાં કુલ રૂ.૧૪૦ કરોડ જેટલો વેરો વસુલવાનો બાકી હતો. જેથી વેરા વસુલવા ઘરવેરા રિકવરી ટીમો બનાવી ઢોલ ટીપાવી વેરો વસુલવાની ઝુંબેશ ઉપાડી હતી. તેમ છતાં રાજ્ય સરકારને સંતોષ નહીં થતાં ભાવનગર શહેરમાં યોજાયેલી સદ્દભાવના ઉપવાસ કાર્યક્રમ બાદ સરકીટ હાઉસમાં કોર્પોરેશનના અધિકારીઓની યોજાયેલી બેઠકમાં ખૂદ મુખ્યમંત્રી મોદીએ વેરાની રકમ વસુલી બાકી વેરો ઓછો કરવા સૂચના આપી હતી અને પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મોદી પુન: ભાવનગર આવે ત્યાં સુધીમાં વેરા વસુલાતની મોટાભાગની કામગીરી પૂર્ણ કરવાની તાકિદ કરી હતી. જેથી તંત્ર ઉંધા માથે થયું હતું અને રિકવરી પાછળ દોટ મુકી હતી. રિકવરી નહીં થતાં મુખ્યમંત્રી સમક્ષ વેરાની સારી વસુલાત દેખાડવા માટે અંતે રિબેટ યોજના પણ બહાર પાડી હતી.
પરંતુ આટલો મોટો આંકડો બાકી વેરાનો છે શું કામ ? તંત્રની તેમા ભૂલ શું છે ? તે બાબતે સરકારે કોઇ તપાસ કરવાની તસ્દી ન લીધી અને કોર્પોરેશને પણ બતાવવાની જરૂરત ન સમજી. રૂ.૧૪૦ કરોડના બાકી વેરા પૈકી ઘરવેરા વિભાગે કુલ રૂ.૧૭ કરોડ તો ડુપ્લીકેશન ખાતા અને ટ્રેસ કરેલા ખાતા શોધ્યા છે. જે તો ઘરવેરા વિભાગને નજરમાં આવેલા ડુપ્લીકેશન ખાતા છે. હજુ તો આવા કંઇક હશે. તદ્દઉપરાંત રૂ.૩૪ કરોડ વ્યાજના બાકી છે અને R ૬ કરોડના કોર્ટમાં કેસ શરૂ છે. આવી રકમોને કારણે આંકડો મોટો દેખાય છે.