ઘરવિહોણા લોકો માટે રાત્રિ આશ્રયનો લાભ લેવામાં ગરીબો નિરસ : હજુ બે શેલ્ટર બનશે
ભાવનગર મહાનગરપાલિકા સુભાષનગર અને સ્ટેશન રોડ પર ઘર વિહોણા લોકો માટે રાત્રિ આશ્રય માટે નાઈટ શેલ્ટરની સુવિધા ઉપલબ્ધ છે અને હજુ ચાલીસે’ક લાખના ખર્ચે બીજા બે શેલ્ટર ઉભા કરાઈ રહ્યાં છે પરંતુ તેનો લોકો મહદઅંશે જ ઉપયોગ કરી રહ્યાં છે.
હાલમાં ભાવનગરમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે ત્યારે ઘર વિહોણા લોકો માટે નાઈટ શેલ્ટરની સુવિધા આર્શિવાદરૂપ સાબિત થાય છે મહાનગરપાલિકા દ્વારા શહેરના સુભાષનગર મ્યુ.ની શોપીંગ સેન્ટર, એરપોર્ટ રોડ ખાતે ૪૦ જેટલા લોકો રોકાણ કરી શકે તે માટે નાઈટ શેલ્ટર છે. તદ્દઉપરાંત સર તખ્તસિંહજી ટ્રસ્ટ સંચાલિત સ્ટેશન રોડ ખાતે ૨૦૦ જેટલા લોકોના આશ્રય માટે બે નાઈટ શેલ્ટરની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ સ્ટેશન રોડ પરના નાઈટ શેલ્ટરમાં સરેરાશ રોજના ૩૦ થી ૩૫ જ લોકો લાભ લે છે જ્યારે સુભાષનગરના નાઈટ શેલ્ટરમાં ચકલુ’ય ફરક્તું નથી.
ત્યાં પાનવાડી ખાતે નવુ શેલ્ટર બનાવવા માટે તાજેતરમાં જ R ૧૯ લાખના ખર્ચે ૪૦ લોકો માટેની સુવિધા ઉભી કરાવવા ખાતુ મુહૂર્ત કર્યું હતું. જ્યારે એસ.ટી. બસ સ્ટેન્ડ સામેના કોમ્પ્લેક્ષમાં R ૨૦ લાખના ખર્ચે ૩૦ લોકોની સુવિધા માટે નાઈટ શેલ્ટર માટે સ્ટેન્ડિંગ કમિટીએ સૈદ્ધાંતિક મંજુરી આપી છે. ત્યારે વધુને વધુ ગરીબ લોકો નાઈટ શેલ્ટરનો ઉપયોગ કરે તેવા તંત્ર તરફથી પ્રયાસ અનિવાર્ય બન્યાં છે.
માત્ર પાંચ રૂપિયાના ટોકન દરે નાઈટ શેલ્ટરમાં ઘર વિહોણા લોકો માટે ગાદલા, ઓશીકા, પાણી, સંડાસ, બાથરૂમ, લાઈટ, પંખા તેમજ મફત આરોગ્ય સારવાર સાથેની સુવિધા અપાય છે.