આજે મજા માણો, ચટાકેદાર રાજસ્થાની દાલબાટીની

સામગ્રી :
૪૦૦ ગ્રામ ઘઉંનો લોટ (૪-કપ)
૧૦૦ ગ્રામ સુજી / રવો (૧-કપ)
૧૦૦ ગ્રામ ઘી (૧/૨ – કપ)
૧ પીંચ બેકિંગ પાઉડર અથવા સોડા (જો તમે પસંદ કરતા હોય તો )
૧/૨ નાની ચમચી અજમો
૧ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)
રીત:
ઘઉં ના લોટ અને રવાને એક વાસણમાં મિક્સ કરવો. તેમાં ૩ ટે.સ્પૂન ઘી, બેકિંગ પાઉડર, અજમો અને મીઠું પણ ઉમેરવું (નાખવું) અને બધુજ મિક્સ કરવું. નવશેકા પાણી ની મદદથી રોટલીના (કણક) લોટ કરતા થોડો કઠણ (સખ્ત) લોટને બાંધવો (ગૂંથવો). લોટને ૨૦ મિનિટ સુધી ઢાંકીને રાખી દેવો. ૨૦ મિનિટ બાદ લોટ ફૂલીને સેટ થઇ જશે. ત્યારબાદ હાથમાં તેલ લગાડી અને લોટને લઇ અને મસળવો અને મુલાયમ બનાવવો. લોટ તૈયાર થઇ જાય એટલે તેમાંથી માધ્યમ કદ અને આકારના ગોળા એકસરખા બનાવવા.
આ પ્રકારની બાટી, પાણીમાં ઉકાળ્યા વગર પણ બનાવી શકાય છે. લોટના બનાવેલ ગોળા/ બાટી ને તંદૂર કે ઓવનમાં ગરમ કરવી અને શેકવી. તંદૂરમાં બાટી ને સમય સમય પર પલટાવતાં જવી અને ચારેબાજુ બ્રાઉન કલર આવે તેમ શેકવી. બાટી શેકાઈને તૈયાર થઇ જશે એટલે તેમાં તિરાડ પડી જશી અને તેનો રંગ બ્રાઉન થઇ જશે. શેકાઈ ગયેલી બાટી તંદૂર કે ઓવનમાંથી બહાર કાઢી લેવી. અને જે વધારાનું નરમ ઘી છે તેમાં બાટી ને ડુબાડી અને બહાર એક ડીશ કે કાચના વાટકામાં કાઢી લેવી. તિરાડમાં ઘી ભરાઈ જવાથી બાટી નો સ્વાદ ખૂબજ મહેક્દાર – અનેરો અલગથી જ આવશે.
બાટી ની દાળ :
સામગ્રી :
૧૦૦ ગ્રામ અળદ ની દાળ (૧/૨ – કપ)
૫૦ ગ્રામ મગની દાળ (૧/૪ – કપ)
૫૦ ગ્રામ ચણા ની દાળ ( ૧/૪ –કપ)
૨ ટે.સ્પૂન -ઘી
૧-૨ પીંચ (ચપટીક) હિંગ
૧ નાની ચમચી જીરૂ
૧/૨ નાની ચમચી હળદર પાઉડર
૧ નાની ચમચી ધાણા નો પાઉડર
૧/૨ નાની ચમચી લાલ મરચાનો પાઉડર
૨-૩ નંગ ટામેટા
૧-૨ નંગ લીલા મરચાં
૨ ઈંચ લંબાઈ નો ૧ ટુકડો આદું
૧/૪ નાની ચમચી ગરમ મસાલો
૧/૨ કપ લીલી સમારેલી કોથમીર
૧ નાની ચમચી મીઠું સ્વાદ અનુસાર
પસંદ હોય તો ડુંગળી લસણ પણ
રીત:
દાળ ને ધોઈ અને એક કલાક પહેલા પાણીમાં પલાળી ને રાખવી. પલાળેલી દાળ ને કૂરમાં ડબલ પાણી ( ૨-કપ) નાંખી, મીઠું ઉમેરી અને ગેસ પર બાફવા મૂકવી. ૧ સિટી કૂકરની થઇ ગયાબાદ, ધીમા તાપ કરવો અને ૨-૩ મિનિટ સુધી પાકવા દેવી. અને ગેસ બંધ કરી દેવો.
ટામેટા, લીલા મરચા અને ૧/૨ આદૂના ટુકડા ને (૧-ઈંચ નો ટુકડો) મિક્સીમાં બારીક પીસી લેવા.
એક કડાઈમાં ૨ ટે.સ્પૂન ઘી નાંખી અને ગેસ પર ગરમ કરવું. હિંગ અને જીરૂ નાંખવા. જીરૂ શેકાઈ ગયાબાદ, હળદર પાઉડર અને ધાણા નો પાઉડર નાખવો. અને ૨-૩ વખત ચમચાની મદદ વડે હલાવી અને મિક્સ કરવું. ત્યારબાદ, પીસેલા ટામેટા, મરચાં અને આદૂની પેસ્ટ અને લાલ મરચાનો પાઉડર નાખવો. અને વધારાના આદૂના ટુકડાને કટકા ના સ્વરૂપમાં સમારી અને અંદર નાંખી દેવું. જીણાં સમારેલ ડુંગળી અને લસણ પણ તેમાં જ નાખવાં
આ મસાલાને ત્યાં શેકવા દેવો કે તેમાંથી તેલ છૂટી ને સપાટી પર ના દેખાવા લાગે. ત્યારબાદ આ મસાલા ને કૂકરમાં બાફેલી દાળ સાથે મિક્સ કરવો અને જરૂરીયાત મુજબનું પાણી ઉમેરી અને દાળ ને પકાવવા દેવી. (પાણી દાળ કેટલી પતલી કે ઘટ રાખવી છે તે મુજબ ઉમેરવું) ઉફાડો દાળમાં આવે એટલે તેમાં ગરમ મસાલો અને અડધી સમારેલી કોથમીર નાંખી અને મિક્સ કરવી.
બસ દાળ તૈયાર થઇ ગઈ છે. દાળ ને એક વાસણમાં અલગ કાઢી અને તેની ઉપર બાકી રહેલી સમારેલી કોથમીર છાંટવી અને ઘી પણ ઉપર નાખવું.
તૈયાર છે સ્વાદ સાથે સુંગંધથી મન લલચાવે તેવી દાળબાટી......ખાઓ અને ખવડાવો.....






