અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા એક ગુજરાતીને ૧૫ માસની જેલની સજા ફટકારવામાં આવી છે. ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ(આઇસીઇ) દ્વારા થયેલી તપાસના પગલે મોન્ટગોમેરીની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગેરકાયદે શસ્ત્રો રાખવાના આરોપસર નરેન્દ્રકુમાર ‘નિક’ પટેલને ૧૫ માસની જેલની સજા ફરમાવી છે.
૩૦મી ઓક્ટોબર, ૨૦૦૮માં એક સર્ચ ઓપરેશન દરમિયાન અલબામાના મિલબ્રૂકમાં ૪૫ વર્ષના નરેન્દ્રકુમાર પટેલના અગાઉના બિઝનેસ હાઉસના એક કબાટમાં રિવોલ્વર મળી આવી હતી. તે પછી હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે તે વર્ષ ૧૯૯૦ના મધ્યમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો. અહીં પ્રવેશ્યા પછી ઇમિગ્રેશન સ્ટેટ્સ મેળવવામાં નિષ્ફળ રહ્યા બાદ તે સંતાતો ફરતો હતો.
નરેન્દ્રકુમાર પટેલને ૧૫ માસની જેલની સજા ઉપરાંત બે વર્ષ સુધી તેને ફેડરલ પ્રોબેશન ઓફિસરના સુપરવિઝન હેઠળ રાખવામાં આવશે. અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ બદલ પટેલે યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની કાર્યવાહીનો પણ સામનો કરવો પડશે.