બ્રિટનમાં ગેરકાયદેસર રીતે રહેતા બે ભારતીય નાગરિકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંને અહીંની એક હોટલમાં કામ કરતા હતાં. પોલીસે બંનેની સ્કોટલેન્ડની એક હોટલ ખાતેથી ધરપકડ કરી છે.
સ્કોટલેન્ડના એક નગર ખાતે આવેલી અજુબા રેસ્ટોરન્ટમાં દરોડો પાડીને પોલીસે બંનેની ધરપકડ કરી હતી. તેમજ બંનેને કામે રાખનાર હોટલને પણ 20, 000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. રિજનલ ડિરેક્ટર ઓફ યુકે બોર્ડર એજન્સીના ફીલ ટેલરે જણાવ્યું હતું કે, બ્રિટન હંમેશા સારા અને કુશળ લોકોને કાયદેસર રીતે દેશમાં આવવા માટે આવકારે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરશે તો અમે તેને શોધીને દેશ બહાર ફેંકી દઈશું.
હોટલના માલિક ગુરમીત સિંઘે જણાવ્યું હતું કે, તેણે એક યુવકને ટ્રાયલ બેઝ પર કામે રાખ્યો હતો. એટલું જ નહીં યુવકે મને પોતાના ડોક્યુમેન્ટ આપવાની પણ વાત કરી હતી. ગુરમીતે જણાવ્યું હતું કે તેણે બે નહીં પરંતુ એક જ વ્યક્તિને કામે રાખ્યો હતો, અન્ય એક વ્યક્તિ તેની મુલાકાત લેવા માટે અહીં આવતો હતો.
પોતાને ફટકારવામાં આવેલા દંડ બાબતે તેમણે જણાવ્યું હતું કે તે 20, 000 પાઉન્ડ જેટલો દંડ ભરવા અસમર્થ છે. કારણ કે તેણે નવો જ ધંધો શરૂ કર્યો છે. ઉપરાંત તેની આર્થિક સ્થિતિ પણ એટલી સારી નથી કે તે આટલી મોટી રકમ ભરી શકે. ધરપકડ કરવામાં આવેલા બંને વ્યક્તિઓની ઉંમર 25 અને 34 વર્ષ છે.