બ્રિટનમાં અસ્થમાના હુમલા બાદ બ્રેઇન ડેમેજનો ભોગ બનેલા એક વ્યક્તિની પત્ની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ ગુજરાતી ડેન્ટિસ્ટ સામે મૂકવામાં આવ્યો છે. સેન્ટ અલબન્સના મિલન શાહ નામના ડેન્ટિસ્ટે સપ્તાહના અંતે ટેલિફોન કરીને આ મહિલા દર્દીને હેરાન કરી હોવાનું કહેવાય છે.
‘ધ ડેઇલી ટેલિગ્રાફ’ના અહેવાલ અનુસાર મિલન શાહે દર્દીને રાષ્ટ્રીય આરોગ્ય સેવા હેઠળ વિનામૂલ્યે થઇ શકે તેવી સારવાર માટે ફી ચૂકવવા માટે કહ્યું હતું અને આ ફી ઘટાડવી હોય તો પોતાના સાથે થોડોક સમય વિતાવવા ઓફર કરી હતી.
જનરલ ડેન્ટલ કાઉન્સિલે સાંભળ્યું હતું કે મિલન શાહે પાંચ બાળકોની માતા એવી આ દર્દીને કહ્યું હતું કે તમને તમારા પતિ તરફથી કોઇ પ્રેમ મળતો નથી અને મને મારી પત્ની તરફથી કોઇ પ્રેમ મળતો નથી. આપણે એકબીજાને મદદ કરી શકીએ તેમ છીએ. અલબત્ત, એલેકસઝાન્ડર હાઉસ ડેન્ટલ ખાતે પ્રેક્ટિસ કરી રહેલા મિલન શાહે મહિલા દર્દીને દુષ્કર્મ માટે ઓફર કરી હોવાનો ઇનકાર કર્યો હતો.
જોકે, મહિલાએ શાહ સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે અને પોતાની ફરિયાદ પાછી ખેંચી લેવા માટે વિનંતી કરતા મિલન શાહની વાતચીત પણ રેકોર્ડ કરીને તેના પુરાવા પણ મેળવ્યા છે.
શાહે કબૂલ્યું કે દર્દીને માહિતી આપવામાં અને ખાનગી સારવાર માટે સંમતિ સહી મેળવવામાં પોતે નિષ્ફળ રહ્યા છે અને આથી ફરિયાદ પાછી ખેંચવા માટે મહિલાને સમજાવવાનો કરેલો પ્રયાસ અયોગ્ય છે.