વર્ષ 2008માં મુંબઈ હુમલા દરમિયાન બે વર્ષના ઈઝરાયલી બાળક મોશે હોલ્ત્ઝબર્ગને મોતના મુખમાંથી બચાવનારી ભારતીય આયા સેન્ડ્રા સૈમ્યુઅલને ઈઝરાયલ સરકારે સન્માનિત કરતા તેને દેશની માનદ નાગરિકતા આપી છે.
અહીં ગૃહ મંત્રાલય દ્વારા યોજાયેલા કાર્યક્રમ દરમિયાન સેન્ડ્રાએ ભાવુક થઈને કહ્યું હતું કે મને આશા છે કે હું ઈઝરાયલની નાગરિકતાનુ સન્માન કરીશ, તેમજ હું ઈઝરાયલને ખૂબ પ્રેમ કરું છું. હું ઈઝરાયલ પર મારો જાન અને દીલ કુર્બાન કરીશ.
મુંબઈ હુમલા બાદ સેન્ડ્રા અહીં આવી ગઈ હતી, તેમજ બે વર્ષના બાળકની સારસંભાળ રાખી રહી હતી. મોશેના સગાસંબંધીઓ મુંબઈ હુમલા દરમિયાન માર્યા ગયા હતાં. સૈન્ડ્રા(45) એક વિધવા છે, અને બે બાળકોની માતા છે. તે 2003માં રબ્બી ગેવરિયલ હોલ્ત્ઝબર્ગ અને તેની પત્ની રિબકાના ઘરે કામ કરતી હતી. મોશેના જન્મ બાદ તેની સારસંભાળ સેન્ડ્રા જ કરતી હતી.