બંદૂકધારીએ ડ્રાઇવર તથા પોલીસકર્મીની હત્યા કરી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતી મહિલાનું અપહરણ કરી લીધું
નાઇજીરિયાના તેલ સમૃધ્ધ પ્રદેશમાં એક અજ્ઞાત શખ્સે એક પોલીસકર્મી તથા ડ્રાઇવરની હત્યા કરી એક ભારતીય મહિલાનું અપહરણ કર્યું હતું.
ભારતીય મૂળની લક્ષ્મી તોમ્બુશ નાઇજીરિયાના દક્ષિણ મુખત્રિકોણ પ્રદેશ અકવા ઇબોમમાં મોબિલ પેગેસસ સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેણીનું એક અજ્ઞાત બંદૂકધારી શખ્સ અપહરણ કર્યું હતું. અપહરણકર્તાઓએ પૈસા માટે હજુ તેણીના પરિવારનો સંપર્ક કર્યો નથી.
ઉલ્લેખનીય છે કે, મોબિલ પેગેસસ સ્કૂલ એકઝોન મોબિલા ઓઇલ કંપની દ્વારા ચલાવવામાં આવે છે. આ જ વિસ્તારમાં આવકની બહેતર વહેચણીની માગણી કરતા કેટલાક બળવાખોરો વિદેશી કંપનીઓની વિરુધ્ધ અભિયાન ચલાવી રહ્યા છે.
બંદૂકધારીએ બુધવારે એકેટ ખાતે આચાર્યના ડ્રાઇવર તથા એક પોલીસકર્મીની હત્યા કરી તેઓના શબને કારમાં જ છોડી દઇ આચાર્યનું અપહરણ કર્યું હતું. અકવા ઇબોમના સ્ટેટ પોલીસ કમાન્ડે કહ્યું કે, પોલીસે અપહરણકર્તાઓની શોધખોળ શરૂ કરી દીધી છે.